News of Monday, 24th March 2025
દાહોદમાં મનરેગા કૌભાંડનો આંકડો વધ્યો, મંત્રીઓ માટે પણ મનરેગા
આના પુરાવા ઉચ્ચ સ્તરે રજૂ કરવામાં આવ્યા છે તો પછી સરકાર તપાસ કેમ નથી કરાવી રહી

દાહોદ,તા.૨૪
દાહોદમાં ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ મંત્રીઓએ ઘણી કમાણી કરી છે અને હવે મંત્રીના પુત્રોનો પણ સમાવેશ થઈ ગયો છે. સત્તાની તાકાતથી મંત્રીના સંતાનો પોતાની કંપનીને અઢળક લાભ કરાવતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ મનરેગા યોજના માં હવે ૧૦૦ નહીં પરંતુ રૃપિયા ૨૫૦ કરોડ ચુકવી દેવાયા હોવાનું સામે આવતાં આ આંકડો કદાચ વધે તો પણ નવાઈ નહીં. આ કૌભાંડમાં ગુજરાત સરકાર તપાસ સમિતિ રચવાની પણ માગ વિરોધ પક્ષના નેતાએ કરી છે.દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ તળાવો બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ગટર, આરસીસી રસ્તા અને ચેકડેમ પણ બનાવવામાં આવ્યા છે. સમગ્ર કામકાજ રાજ કન્સ્ટ્રક્શન ને સોંપવામાં આવ્યું છે. માહિતી મુજબ કન્સ્ટક્શન એજન્સીનો માલિકના પિતા મંત્રી છે. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪-૨૫ દરમિયાન એજન્સીના માલિકના ખાતામાં ૨૧૧ કરોડ રૃપિયા ચુકવાયા છે. ૨૦ કરોડ ચુકવવાના બાકી છે જ્યારે ૪૨ કરોડ રૃપિયા રાજ ટ્રેડર્સના ખાતામાં જમા કરાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કરોડો રૃપિયા ટ્રાન્સફર કરવા મામલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ સમગ્ર કૌભાંડની તપાસ સમિતિની રચના કરવાની માગ કરી હતી.અમિત ચાવડા એ આરોપ લગાવ્યો છે કે, 'ગરીબો અને મજૂરોને રોજગાર આપતી અને ગામડાઓમાંથી સ્થળાંતર અટકાવતી મનરેગા યોજના ભાજપ રાજ્યમાં પૈસા કમાવવાની યોજના બની રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને સત્તાનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે જ્યારે સ્થળ પર કોઈ કામ થયું ન હતું તો લાખો રૃપિયા કેવી રીતે ચૂકવવામાં આવ્યા? મહત્વની વાત એ છે કે મંત્રીના પરિવારના સભ્યોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને આના પુરાવા ઉચ્ચ સ્તરે રજૂ કરવામાં આવ્યા છે. તો પછી સરકાર તપાસ કેમ નથી કરાવી રહી, આ શંકા ઉભી કરે છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
