<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

આરોપી ગુલામ મુસ્તુફાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસઃપીડિતા સહિત ૨૦ સાક્ષીઓની જુબાની લેવાઇ હતી

વલસાડ, તા.૨૪

વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડીમાં રહેતા પરિવારની ૩ વર્ષીય માસૂમ બાળકી સાથે વિધર્મી યુવાને દુષ્કર્મ કર્યાના ચકચારી કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સખત સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જયારે રૃ.૫૦ હજારનો દંડ ચૂકવવા જોગવાઈ કરાઈ છે. દંડની રકમ અને વળતર પેટે રૃ.૬ લાખ મળી કુલ રૃ.૬.૫૦ લાખ પીડિતાને ચૂકવવાનો આદેશ કરાયો છે.

કેસની વિગત એવી છે કે, ઉમરગામના ગાંધીવાડીમાં રહેતા એક પરિવારની ૩ વર્ષીય માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા હવસખોર યુવાને શારીરિક અડપલા કરી દુષ્કર્મ કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. વિધર્મી યુવાનના ગંભીર કૃત્ય સામે હિન્દુ સંગઠનના આગેવાનો સહિત લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી ભારે હંગામો મચાવી દીધો હતો. વિધર્મી આરોપી ગુલામે મુસ્તુફા મોહંમદ સમીમ ખલીફા (રહે. દેવધામ, ઉમરગામ)ની પોલીસે ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી સામે સજજડ પૈરાવા સાથે ચાર્જશીટ પણ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી શરૃ થયા બાદ પબ્લીક પ્રોસીકયુટર અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિત અનેક લોકોના નિવેદનો અને પુરાવા સાથે દલીલો કરી હતી. સોમવારે આ કેસમાં સ્પેશિયલ જજ ટી.વી.આહુજા એ આરોપી ગુલામે મુસ્તફા ખલીફાને દોષી ઠેરવી અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૃ.૫૦ હજારનો દંડ ફટકારતો ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. દંડની રકમ અને વળતર પેટે રૃ.૬ લાખ મળી કુલ રૃ.૬.૫૦ લાખ પિડીતાને ચૂકવવા આદેશ કરાયો છે.

માસૂમ બાળકી સાથે કરાયેલા ગંભીર કૃત્ય અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે અધિકારી સહિત ટીમે માત્ર નવ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. તો વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૃ થયેલી સુનાવણીમાં સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિત ૨૦ સાક્ષીઓની જુબાની સાથે સજ્જડ પુરાવા રજૂ કર્યા હતા. નવસારીથી અમલ બનેલા વલસાડ જિલ્લા અને પોકસો એક્ટ અમલમાં આવ્યા બાદ પ્રથમવાર માત્ર સાડા ત્રણ મહીનામાં કોર્ટમાં કેસની ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી.

વિધર્મી આરોપીના ગંભીર કૃત્ય બાદ ઉમરગામ પોલીસ મથકે હિન્દુ સંગઠનના આગેવાનો સહિત ગામલોકો એકત્રિત થઇ ઘેરાવ કરી ઘટના સામે ભારે આક્રોશ ઠાલવી આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી ભારે હોબાળો મચાવી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાના બીજા દિવસે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મહિલા સહિત હજારો લોકો જુદા જુદા બેનરો સાથે જોડાય ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહી ગંભીર ઘટનાનો વિરોધ કરી ભારે આક્રોશ પણ ઠાલવ્યો હતો.

 

(9:50 PM IST)