<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

અમૂક પ્રકારના દસ્‍તાવેજમાં સ્‍ટેમ્‍પ ડયુટી રાહત અને ઇ. રજીસ્‍ટ્રેશન

બજેટમાં જાહેર કરેલ રાહતના અમલ માટે વિધાનસભામાં સુધારા વિધેયક વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરાતા હકક કમી લેખ પર માત્ર ૨૦૦ રૂપિયા સ્‍ટેમ્‍પ ડયુટીઃ ગીરોખત અને ભાડાપટ્ટાના લેખમાં પણ રાહત

(અશ્‍વિન વ્‍યાસ) ગાંધીનગર તા.રપઃ સ્‍ટેમ્‍પ ડયુટીમાં (સુધારા) વિધાનસભામાં નાણામંત્રીએ ફેબ્રુઆરી માસમાં બજેટ સ્‍પીચમાં રાહતો જાહેર કરી હતી. તે અંગેનું  બીલ રજુ થશે. તેનાથી અમુક પ્રકારના દસ્‍તાવેજોમાં સ્‍ટેમ્‍પ ડયુટીમાં રાહત મળશે. વિધેયક પસાર થઇને વહીવટી પ્રક્રિયા બાદ રાહતનો અમલ થશે.

સરકારે સ્‍ટેમ્‍પ ડયુટીમાં નીચે મુજબ રાહત જાહેર કરી છે.

વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક કમીના લેખ પર, પ્રવર્તમાન ૪.૯૦% સ્‍ટેમ્‍પ ડયુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્‍ત રૂા.૨૦૦ની સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ભરપાઇ કરવાની થશે.

ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓ મુજબ વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત' પર ૦.૨૫% લેખે મહત્તમ રૂા.૨૫,૦૦૦ની સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂા.૫,૦૦૦ની સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવાની થશે. જેથી હાઉસીંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે.એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર ૧% સ્‍ટેમ્‍પ ડયુટી ભરવાની જોગવાઈ છે, જેના સ્‍થાને રહેણાંક માટે રૂા.૫૦૦ તથા વાણિજ્‍ય માટે રૂા.૧૦૦૦ની સ્‍ટેમ્‍પ ડ્‍યુટી લેવામાં આવશે તેમજ અન્‍ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે.

આ ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્‍તિનો બચાવ થાય તે હેતુસર, ગીરોખત, ગીરોમુકિત લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં જવાને બદલે, ઘરે બેઠા ઈ-રજીસ્‍ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

(3:59 PM IST)