News of Tuesday, 25th March 2025
ખંભાતના દરિયાની બદલાઈ ભૌગોલિક સ્થિતિ :40 વર્ષ પહેલા દૂર ગયેલો દરિયો હવે ફરીથી પુનઃ શહેર તરફ આગળ વધ્યો
ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનના લીધે દરિયો આગળ આવ્યો ;40 વર્ષ પછી જે દરિયો પહેલા 7-8 કિલો મીટર દૂર હતો તે હવે માત્ર 700-800 મીટરની દૂરી પર છે

આણંદ જિલ્લાના ખંભાતમાં દરિયાએ પોતાના સીમાડા વધાર્યા છે. 40 વર્ષ પહેલા દૂર ગયેલો દરિયો હવે ફરીથી પુનઃશહેર તરફ આગળ વધી રહ્યો છે. દરિયાનું પાણી આગળ વધતા કાંઠા વિસ્તારોના ગામડાઓમાં જમીનનું ધોવાણ થવા લાગ્યું છે. 40 વર્ષ પછી ફરીથી ભૌગોલિક સ્થિતિ બદલવા લાગી છે.
ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનના લીધે દરિયો આગળ આવી રહ્યો છે. 40 વર્ષ પછી જે દરિયો પહેલા 7-8 કિલો મીટર દૂર હતો તે હવે માત્ર 700-800 મીટરની દૂરી પર છે. આવનારા દિવસોમાં ખંભાતનો દરિયો કેટલો આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે. તાજેતરમાં કરાયેલા જિઓલોજિકલ સરવે મુજબ ખંભાતમાં મળતી મહી અને સાબરમતી સહિતની નદીઓ પોતાની સાથે કચરો અને માટી પણ ખેંચી લાવે છે.
નદીના ધોવાણથી 18 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું છે. તાલુકાના 70થી વધુ ગામોમાં દરિયાકાંઠાની જમીનો કોતરોમાં ફેરવાઈ ગઈ છે. આગળ વધતા દરિયાની સ્થિતિ સામે ખંભાત નગરપાલિકાએ પણ સાવચેતીના પગલા ભર્યા છે. જાનહાનિ ન થાય માટે દરિયા પાસે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ખંભાતના દરિયામાં વધતા જતા તાપમાનને લઈ ખંભાતનો દરિયો એકાએક ખંભાત બાજુ પાછો ફરી રહ્યો છે. ખંભાતના દરિયામાં હાલ ભરતી ઓટ આવતા ખૂબ મોટા પ્રમાણમાં ખંભાતના દરીયાઈ પટ્ટી ઉપર આવેલ ગ્રામીણ વિસ્તારમાં જમીનની માટીની ભેખડો ધસવા માંડી છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
