News of Wednesday, 26th March 2025
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો સિલસિલો યથાવત: સતત બીજા દિવસે દુબઈથી આવેલી રાજકોટની મહિલા પાસેથી ૩૪ લાખનું સોનું ઝડપાયું*

અમદાવાદ: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સોમવારે અબુધાબીથી આવેલા એક મુસાફર પાસેથી ૨.૭૬ કરોડ રૂપિયાનું સોનું જીન્સમાં છૂપાવેલી હાલતમાં ઝડપાયું હતું, ત્યારબાદ આજે મંગળવારે ફરી એક મહિલા મુસાફર દાણચોરીના ઇરાદે પકડાઈ છે. આ વખતે દુબઈથી આવેલી રાજકોટની એક મહિલા પાસેથી ૩૪.૭૩ લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
લેગિંગ્સમાં પેસ્ટ બનાવી છૂપાવ્યું હતું સોનું.
કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહિલાએ સોનાને પેસ્ટના રૂપમાં ફેરવીને લેગિંગ્સની અંદર ખૂબ જ ચતુરાઈપૂર્વક છૂપાવ્યું હતું.
જોકે, એરપોર્ટ પર તપાસ દરમિયાન કસ્ટમ્સની ટીમે આ દાણચોરીને નિષ્ફળ બનાવી અને સોનું કબજે કર્યું. મહિલાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર આવા કિસ્સાઓ હવે નવાઈની વાત રહી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી અહીંથી સોનું લઈને આવતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કસ્ટમ્સ વિભાગે આવા કેસોને રોકવા માટે ચેકિંગ વધુ સઘન કર્યું છે, પરંતુ તેમ છતાં દાણચોરો નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે.
કસ્ટમ્સ વિભાગ હવે આ બંને કેસની તપાસમાં જોડાયેલા સંભવિત નેટવર્કનો પર્દાફાશ કરવા પ્રયાસ કરી રહ્યું છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
