News of Wednesday, 26th March 2025
રાજકોટની મહિલાએ લેગિંગ્સમાં છુપાવ્યું હતું ૩૪.૭૩ લાખનું સોનુઃ એરપોર્ટ પર ઝડપાઇ
ગોલ્ડ સ્પ્રે પેસ્ટ અને કેમિકલના મિશ્રણથી બનાવેલુ સોનુ લેગિંગ્સના બે પડ વચ્ચે છુપાવેલુ હતું: કસ્ટમ વિભાગની કાર્યવાહીઃ તાજેતરમાં અબુધાબીથી આ રીતે જ દાણચોરીથી લાવવામાં આવેલા પોણા ત્રણ કરોડના સોના સાથે બે પ્રવાસીને પકડી લેવાયા હતાં

અમદાવાદ તા. ૨૬: ંરાજકોટની એક મહિલાને એમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમે રૂપિયા ૩૪.૭૩ લાખના ૨૪ કેરેટના ૩૮૨.૧૭૦ ગ્રામ સોના સાથે પકડી લીધી છે. આ મહિલા અબુધાબીથી દાણચોરીથી આ સોનુ લાવી હતી. આ સોનુ તેણે ગોલ્ડ સ્પ્રે પેસ્ટ અને કેમિકલના મિશ્રણથી બનાવી લેગિંગ્સમાં છુપાવ્યું હતું. કસ્ટમ વિભાગે ૩૪.૭૩ લાખની કિંમતનું સોનુ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની મહિલા દુબઇથી ૩૪.૭૩ લાખનું સોનું લેગિંગ્સના બે પડ વચ્ચે સંતાડીને દાણચોરી કરતા ઝડપાઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મળેલી માહિતીના આધારે આ મહિલાને ઝડપીને તેની લેગિંગ્સમાંથી ગોલ્ડ પેસ્ટ સ્વરૂપમાં ૩૮૨.૧૭૦ ગ્રામ સોનું જપ્ત કર્યુ હતું. અમદાવાદ કસ્ટમ્સની એઆઇયુ ટીમને મળેલી માહિતીના આધારે ૨૫ માર્ચના રોજ દુબઈથી અમદાવાદ આવતી ફલાઇટ નં. ૬-ઇ-૧૪૭૮માંથી એક મહિલા મુસાફરને અટકાવી હતી. તપાસ દરમિયાન તે મહિલા મુસાફર પાસે ૨૪ કેરેટના ૩૮૨.૧૭૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું. જે ગોલ્ડ સ્પ્રે પેસ્ટ અને કેમિકલના મિશ્રણમાંથી બનાવવામાં આવ્યું હતું.
કસ્ટમ્સના સુત્રોના કહેવા મુજબ આ સોનાને મહિલા મુસાફરે પહેરેલી લેગિંગ્સના બે સ્તર (પડ) વચ્ચે સંતાડ્યું હતું. આ જપ્ત થયેલા સોનાની બજાર કિંમત રૂ. ૩૪,૭૩,૯૨૫ છે. કસ્ટમની તપાસમાં આ મહિલા મુસાફર રાજકોટની રહેવાસી છે. આ સોનું કોના માટે લાવ્યા હતા વગેરે બાબતે ઝીણવટીભરી પૂછતાછ કરીને તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી પોણાત્રણ કરોડની કિંમતનું ત્રણ કિલોથી વધુ ગોલ્ડ ઝડપાતાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને પ્રવાસીઓએ જીન્સ પેન્ટના કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું હતું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું. (૧૪.૯)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
