News of Wednesday, 26th March 2025
ગુજરાતમાં નવી ૧૩૧ ન્યાયધીશની જગ્યા ભરવા મંજુરી : મદદનીશ સ્ટાફની નવી ૪૪ર૬ જગ્યાઓ
વિધાનસભામાં ચર્ચામાં ભાગ લેતા ડો. મહેન્દ્ર પાડલીયા અદાલતી કાર્યવાહીમાં ઝડપ વધારવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

રાજકોટ, તા., ર૬: વિધાનસભામાં કાયદા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ધારાસભ્યશ્રી ડો.મહેન્દ્ર પાડલિયાએ જણાવેલ કે, ભારતના બંધારણના આમુખમાં દેશના સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાના ઉદ્દેશની ઘોષણા કરવામાં આવી છે. ભારતની સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોના ન્યાયાધીશો બંધારણનું અને કાયદાઓનું જતન કરવાના શપથ લ્યે છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે ૭૫ વર્ષની સફર પૂરી કરી છે.
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલીયાએ જણાવેલ કે, એક માહિતી પ્રમાણે દેશની જીલ્લા અદાલતોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા ઘણીજ વધારે છે. ન્યાયમાં આ વિલંબને સમાપ્ત કરવા માટે છેલ્લા દાયકામાં ઘણા સ્તરે કામ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં, દેશે જ્યુડીશીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અંદાજે આઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. છેલ્લા ૨૫ વર્ષમાં, જ્યુડીશીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચવામાં આવેલી રકમમાંથી ૭૫ ટકા રકમ છેલ્લા ૧૦ વર્ષમાં જ ખર્ચ કરવામાં આવી છે. આ જ દસ વર્ષમાં દેશમાં જીલ્લા અદાલતો માટે સાડા સાત હજાર કરતા વધુ કોર્ટ હોલ અને ૧૧ હજાર રહેણાંક એકમો તૈયાર કરવામાં આવ્યા છે. ઈ-કોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત દેશ એકીકળત ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આ અંતર્ગત ‘આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ, ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન' જેવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ધારાસભ્ય શ્રી પાડલીયાએ કહયું કે, ગુજરાત સરકારના આ વર્ષના બજેટમાં જીલ્લા અને તાલુકા અદાલતોની રચના માટે, ન્યાયિક અધિકારીઓ તથા મદદનીશ સ્ટાફ ક્વાટર્સ માટે, ગુજરાત હાઈકોર્ટ કેમ્પસના વિસ્તરણ માટે તેમજ રાજ્યની વિવિધ કોર્ટ બિલ્ડીંગના મકાનના રીનોવેશન સહિતના કામો માટે કુલ મળીને રૂ.૧૦૧૯.૨૧ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે ન્યાયધીશો તથા મદદનીશ સ્ટાફની આવશ્યકતા રહેલી છે. સરકાર દ્વારા ન્યાયતંત્રની જરૂરીયાત મુજબ હાઈકોર્ટના સૂચવ્યા મુજબ ન્યાયાધીશોની જગ્યા ભરવા માટે મંજુરી આપવામાં આવેલ છે અને દરેક કેડરના કુલ ૧૩૧ જેટલા ન્યાયાધીશોની જગ્યાઓ માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે મદદનીશ સ્ટાફની ૪૪૨૬ નવીન જગ્યાઓ ઉભી કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની પ્રજાને ન્યાય આપવા માટેની પ્રતિબદ્ધતા માટે રાજ્યના કર્મઠ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવું છું.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
