તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 26th March 2025
વિધાનસભા તરફ કૂચ કરતા વ્યાયામ શિક્ષકો વ્યથા ઠાલવે એ પહેલા જ અટકાયત
વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા તરફ આગેકૂચ કરી. જ્યાં ગેટ નંબર 1 તરફ જાય તે પહેલાં પોલીસેે અટકાયત શરૂ કરી : વ્યાયામ શિક્ષકો આક્રમક મૂડમાં

ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગત 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે, આજે હડતાળનો દસમો દિવસ હોવા છતાં વ્યાયમ શિક્ષકો પોતાની માંગોને લઇને અડગ છે. જોકે વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા તરફ આગેકૂચ કરી હતી. જ્યાં ગેટ નંબર 1 તરફ જાય તે પહેલાં પોલીસેે તેમની અટકાયત શરૂ કરી હતી. આ દરમિયાન આંદોલન કરનારા વ્યાયામ શિક્ષકો આક્રમક મૂડમાં દેખાયા હતા.
આંદોલનકારીઓનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે. આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તો વ્યાયામ શિક્ષકો પણ પોતાની માગને લઈને અડગ છે અને માગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી છે.
વ્યાયામ શિક્ષકોની માંગણી આ મુજબ છે
ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
રાજ્યમાં વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી કરી નથી તો તેને ધ્યાનમાં રાખીને નવો જી.આર. નવું માળખું રચવામાં આવે અને સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે.
ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ શિક્ષકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો, ખેલ સહાયકો, વ્યાયામ શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા એવા તમામ ઉમેદવાર સરકાર પાસે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી ઉપર જણાવ્યા અનુસાર થાય અને કરાર આધારિત ભરતી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP 20 અને RTE 2009ની જોગવાઈ મુજબ વ્યાયામ શિક્ષક અને શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
