<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

આરોગ્ય કર્મીની હડતાળ વચ્ચે હડતાળ વચ્ચે યુનિયનના મહામંત્રીને છૂટા કરવાનો આદેશ

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વકર્યો:આરોગ્ય કર્મચારીઓએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી

અમદાવાદ : આરોગ્ય વિભાગના કમર્ચારીઓની હડતાલ વચ્ચે યુનિયનના મહામંત્રીને છુટા કરવાના આદેશથી ખળભળાટ મચી જવા પામ્યો છે, આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને આજે દસ દિવસ પૂરા થયા છે. એસ્મા લાગુ કર્યા છતાં અને ટર્મિનેશન નોટિસ ફટકાર્યા છતાં હડતાળ પર અડગ રહેતા આરોગ્ય કર્મચારીઓ હવે આંદોલન લડવાની મનોદશામાં છે. રાજ્ય સરકારે હડતાળ તોડી પાડવા માટે વિવિધ પગલાં ભર્યા છે, જેમાં એસ્મા લાગુ કરવો, બહાલ કરાયેલ કર્મચારીઓ પર ટર્મિનેશનની કાર્યવાહી અને હડતાળનો પ્રભાવ ઓછો કરવા માટે અન્ય આરોગ્ય કર્મચારીઓની ફરજ લગાવવી વગેરેનો સમાવેશ થાય છે. તેમ છતાં આંદોલનકર્તાઓ હિંમત હારી ગયા નથી.

 

આઠ જિલ્લામાંથી કુલ મળીને બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ જોતાં આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વકર્યો છે.  આરોગ્ય કર્મચારીઓએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે. 

 

હડતાળ વચ્ચે મંગળવારે યુનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ અપાયો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતે એસ્મા હેઠળ આ કાર્યવાહી કરી છે, જેના કારણે આંદોલનકારી કર્મચારીઓમાં ભારે નારાજગી છે. હડતાળને પગલે આરોગ્ય સેવા પર ગંભીર અસર પડી છે અને દવાખાનાઓમાં દર્દીઓને સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.

 

અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકલાયાં નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.  દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહી છે. આ દરમિયાન,  ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યુ છે. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં અંડિગો જમાવ્યો છે. 

 

 

આંદોલનકારીઓનું કહેવું છે કે, સરકાર તેમની માગણીઓને સ્વીકારવા તૈયાર નથી. જ્યારે તેઓ લાંબા સમયથી આ માટે લડાઈ લડી રહ્યા છે. “જ્યારે અન્ય રાજ્યોમાં આ પ્રકારની સુવિધાઓ છે, તો ગુજરાતના આરોગ્ય કર્મચારીઓને શા માટે બાકાત રાખવામાં આવે?” તેમ એક યૂનિયન આગેવાને પ્રશ્ન કર્યો.

 

આંદોલન ચાલુ રાખતા કર્મચારીઓ પર હવે સરકાર વધુ કડક બની છે. આરોગ્ય વિભાગે હડતાળ તોડવા માટે ચેતવણી આપી છે કે, જો કર્મચારીઓ ફરી ફરજ પર નહીં આવે, તો તેમની વિરુદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “આરોગ્ય કર્મીઓની બધી માંગણીઓ વિચાર વિના સ્વીકારી શકાય નહીં. ટેક્સદારોના પૈસા લોકોની સુખાકારી માટે જ વપરાવવાનાં હોય.”

 

કોંગ્રેસે આરોગ્ય કર્મચારીઓની હડતાળને ખુલ્લો ટેકો આપતા સરકાર માટે મુશ્કેલી ઊભી કરી છે. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, આરોગ્ય કર્મચારીઓની સમસ્યાઓ ન ઉકેલવી એ સરકારની નિષ્ફળતા છે. કર્મચારીઓની માગણીઓ યોગ્ય હોવા છતાં સરકાર બેદરકાર વર્તન કરી રહી છે. આ હડતાળના કારણે આરોગ્ય સેવામાં ગંભીર વિક્ષેપ ઉદ્ભવ્યો છે અને જો સરકાર અને કર્મચારીઓ વચ્ચે કોઈ સમાધાન નહીં થાય, તો હાલત વધુ વણસે તેવી શક્યતા છે.

(12:29 PM IST)