<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગુજરાતનાં આંદોલનકારી ૪ હજાર આરોગ્‍ય કર્મચારીઓ સામે ચાર્જશીટ - તપાસ

એસ્‍મા એકટ લાગુ કર્યા પછી પણ આંદોલન ચાલુ રાખતા રાજય સરકાર આકરા પાણીએ : ૧૧૦૦ કર્મચારીઓને ટર્મિનેટ કરાયા

અમદાવાદ, તા.૨૬: આરોગ્‍યકર્મીઓના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્‍યા છે. જેમાં આંદોલનકારીઓ સામે રાજ્‍ય સરકારે આકરા પગલા લીધા છે. તેમાં ૧૧૦૦ આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે. જેમાં આરોગ્‍ય વિભાગે ટર્મિનેટ કરવાનો આદેશ આપતા ચકચાર મચી છે. તથા ૪૦૦૦થી વધુ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરાઇ છે.

એસ્‍મા એક્‍ટ લાગુ કર્યા બાદ પણ આંદોલન ચાલુ રાખતા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આંદોલન કરી રહેલા આરોગ્‍ય કર્મચારીઓ સામે સરકારના આકરા પગલા યથાવત છે. પંચાયત હસ્‍તકના આરોગ્‍ય કર્મીઓ ઉપર સરકારે એસ્‍મા લગાવ્‍યો હોવા છતાં છેલ્લા નવ દિવસથી પાટનગરમાં સરકારની સામે પડતર માગણીઓના ઉકેલને લઇ આંદોલન જારી રાખ્‍યું છે.

બીજી તરફ આરોગ્‍ય વિભાગે કડક પગલા લેવાનું શરૂ કરતા અત્‍યાર સુધીમાં રાજ્‍યભરમાં વિવિધ જિલ્લામાં આંદોલન પર ગયેલા ૧૧૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે જ્‍યારે ૧૦ હજારથી વધુ કર્મીને નોટિસ આપી છે. સત્‍યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓએ રાત્રે કેન્‍ડલ લાઇટ માર્ચ પણ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

પંચાયત હસ્‍તકના હજારો આરોગ્‍ય કર્મીઓએ ગાંધીનગર સત્‍યાગ્રહ છાવણી ખાતે વિરોધ યથાવત રાખ્‍યો છે. જેમાં મહિલા કર્મચારીઓનો પણ મોટી સંખ્‍યામાં સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં જ હડતાલ પરના ૪૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાની નોટિસ આપી સરકારે એસ્‍મા હેઠળ અન્‍ય જિલ્લાઓમાં કાર્યવાહી કરી છે. રાજ્‍ય આરોગ્‍ય કર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાંને ગેરવાજબી ગણાવી લડત ચાલુ રાખવાનું એલાન કર્યું છે. સરકાર છૂટા કરીને ખોટી રીતે હેરાન કરીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટને પણ સાબરકાંઠામાં છૂટા કરવાનો આદેશ આપ્‍યો છે.

(1:32 PM IST)