<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ચૈત્ર નવરાત્રિમાં ગમે ત્‍યારે પ્રધાન મંડળનું વિસ્‍તરણ થઈ શકે છે

પ્રધાન મંડળના વિસ્‍તરણની શકયતાઓ સાથે જ કોંગ્રસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની આશાઓ ફરી જાગી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાને પ્રધાન પદ મળી શકે છે. આ ઉપરાંત ભાજપના છ જેટલા નવા ચહેરાઓને તક મળી શકે છે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને હવે બે દિવસ જ બાકી રહ્યા છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ ગુજરાતમાં પ્રધાન મંડળનું વિસ્‍તરણ થઈ શકે છે. ચૈત્ર નવરાત્રિમાં ગમે ત્‍યારે પ્રધાન મંડળનું વિસ્‍તરણ થઈ શકે છે. આ અંગે રાજ્‍યમાં છેલ્લા થોડા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ફરી પ્રધાન પદ મળવાની આશા જાગી છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાને પ્રધાન પદ મળી શકે છે. આ ઉપરાંત ભાજપના છ જેટલા નવા ચહેરાઓને તક મળી શકે છે. આશરે ૮ થી ૯ પ્રધાનનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન પ્રધાન મંડળમાંથી ચાર પ્રધાનની વિદાય કરવામાં આવી શકે છે. આ દરમિયાન કોઈ વિવાદ ન થાય તેનું પણ ધ્‍યાન રાખવામાં આવશે. રાજભવનમાં આ માટે થોડા જ દિવસમાં સત્તાવાર રીતે સંદેશો મોકલવામાં આવશે અને રાજ્‍યપાલની મંજૂરી અને સમય લેવામાં આવશે.

વિધાનસભામાં ધારાસભ્‍યોની કુલ સંખ્‍યા ૧૮૨ છે. આ અનુસાર તેના ૧૫ ટકા પ્રધાનોની સંખ્‍યા સુનિヘતિ કરવામાં આવી હોવાથી ગુજરાતમાં ૨૭ સભ્‍યો સાથેનું પૂર્ણ કદનું પ્રધાન મંડળ ગણવામાં આવે છે. પરંતુ પ્રધાન મંડળની સંખ્‍યા ૨૨ થી ૨૩ જ હોઈ શકે છે, એટલે કે પૂર્ણ કદનું પ્રધાન મંડળ ન બને તેવી પણ શકયતા છે.

૨૦૨૨ વિધાનસભા ચૂંટણીનું શું આવ્‍યું હતું પરિણામ

ગુજરાતમાં ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૫૬ સીટ જીતીને ઇતિહાસ રચ્‍યો હતો. જ્‍યારે કોંગ્રેસને ૧૭ બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને ૫ તથા અન્‍યને ૪ સીટ મળી હતી. ૨૦૧૭માં ભાજપને ૧૦૮ સીટ, કોંગ્રેસને ૬૮ સીટ તથા અન્‍યને ૬ સીટ મળી હતી.(૩૮.૧૭)

(4:11 PM IST)