તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 26th March 2025
હવે કેમ રમશે ગુજરાત :ખેલાડીઓને તૈયાર કરનાર વ્યાયામ વીરો કે ખેલ સહાયકોની ઘોર અવગણના
જાણે અસામાજિક તત્ત્વો હોય તેમ પોલીસે વીરતા બતાવીને વ્યાયામ વીરોની ટિંગાટોળી કરીને વેનમાં ધકેલી દીધા.

ગાંધીનગર :રમશે ગુજરાતના દાવા સાથે ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો સરકાર યોજે છે. અને બીજી તરફ ખેલાડીઓને તૈયાર કરનાર વ્યાયામ વીરો કે ખેલ સહાયકોની અવગણના કરાય છે. ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આજે પોલીસ જાણે કે તૂટી પડી. જાણે અસામાજિક તત્ત્વો હોય તેમ પોલીસે વીરતા બતાવીને વ્યાયામ વીરોની ટિંગાટોળી કરીને વેનમાં ધકેલી દીધા
સરકારને એક તરફ 2036માં દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવું છે. આ માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે સ્ટેડિયમો, મેદાનો, હોસ્ટેલો, હોટલો તૈયાર કરાવાઈ રહી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓને રમત-ગમતના પાઠ ભણાવનારા શિક્ષકો સાથે ગુનેગારો જેવું વર્તન થાય છે. અને એ પણ ફક્ત પોતાની પડતર માગણીઓની રજૂઆત કરવા બદલ.
આ આંદોલન દરમિયાન વ્યાયામ વીરોએ હકની લડાઈ માટે એકબીજાનો હાથ પકડીને એકતા બતાવી. જ્યારે પોલીસે કાર્યવાહીના નામે શિક્ષકોને રસ્તા પર ઢસડીને વેનમાં ઠૂસી દીધા. અચાનક આક્રમક બનેલી પોલીસના આ કૃત્ય પછી ભાગદોડ મચી જવી સ્વાભાવિક હતી. મહિલા ખેલ સહાયકો તો પોલીસનું આ રૂપ જોઈ આઘાતમાં પડી ગઈ. આ સ્થિતિમાં અનેક મહિલાઓ ક્ષોભમાં ના મૂકાય એ માટે ભાગવા લાગી. કોઈ ફૂટપાથ કૂદીને તો કોઈ કાંટાળી વાડ કૂદીને ભાગી ગયા
સરકારની જોહુકમી અને પોલીસની કડકાઈ સામે આ ખેલ સહાયકો નિ:સહાય થઈ ગયા. રોડની બાજુમાં શાંતિપૂર્વક રીતે પોતાની માગ સાથે દેખાવો કરી રહેલી મહિલા ખેલ સહાયકોને પણ ખેંચીને-ઢસડીને પોલીસ વેનમાં ઘુસાડવામાં આવી. મહિલા પોલિસકર્મીઓની માનવતા પણ સરકારી હુકમ નીચે ચગદાઈ ગઈ હોય તેવું જોવા મળ્યું. આ આંદોલનકારીઓએ નથી કોઈને ખલેલ પહોંચાડી, કે નથી કોઈને નુકસાન પહોંચાડ્યું, બસ પોતાની વર્ષો જૂની માગ સરકાર સમક્ષ લઈને આવ્યા હતા.
સાંસદો, નેતાઓને પગાર ભથ્થા વધે તો કોઈ વાંધો નથી, પરંતુ કર્મચારીઓના પગાર કે ભથ્થા વધારવામાં કેમ ચૂંક આવે છે તેવો પણ સવાલ આંદોલનકારીઓ કરી રહ્યા છે. ફક્ત 20 હજાર રૂપિયામાં 11 મહિનાના કરાર પર કેટલા સમય સુધી નોકરી કરે અને એ પણ આવી મોંઘવારીમાં. સરકાર કાયમી કરતી નથી તો પછી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ ખેલ સહાયકોએ સરકાર પાસે સહાય માગી તેમાં શું ગુનો થઈ ગયો?
વધતી મોંઘવારી અને ખર્ચાને ધ્યાનમાં રાખીને સાંસદોના પગારમાં 24 ટકાના વધારાનો નિર્ણય લેવાયો છે. સાંસદોનો પગાર મહિને રૂ. 1.24 લાખ છે, જ્યારે દૈનિક ભથ્થુ રૂ. 2500, અને ઓફિસ ખર્ચ માટે મહિને રૂ. 60 હજાર અપાય છે. એટલુ જ નહીં સાંસદોને પોતાના તેમજ પોતાના પરિવાર માટે દર વર્ષે મફત 34 હવાઇ મુસાફરીનો લાભ અપાય છે. તો પૂર્વ સાંસદોનું પેન્શન પણ વધારીને રૂ. 31000 કરાયું છે.
એક તરફ સરકાર આજે બુધવારે કલાકારોની આગતાસ્વાગતા કરવામાં વ્યસ્ત હતી. વિક્રમ ઠાકોરના વિવાદ પછી કલાકારો માટે વિધાનસભામાં લાલ જાજમ પાથરવામાં આવી, પરંતુ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવામાં મદદરૂપ થનારા વ્યાયામ શિક્ષકોને રસ્તા પર ખેંચી ખેંચીને ધૂળ ચાટતા કરી દેવાયા. વિક્રમ ઠાકોરે સરકારની વ્હાલા-દવલાની નીતિનો વિરોધ કર્યો, તો સરકાર ઝૂકી ગઈ અને આજે બુધવારે રાજ્યના તમામ કલાકારોને વિધાનસભામાં બોલાવી ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું. બીજી તરફ, કલાકારોનો વિરોધ સરકારના કાને પડતો હોય, તો તમામ શિક્ષકો, પરીક્ષાર્થીઓ કે અન્ય આંદોલનકારીઓનો અવાજ સરકારને કેમ સંભળાતો નથી?
દેશ કે ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી લોકો વતન છોડી વિદેશ જતા રહે તે સામાન્ય છે. ત્યારે સવાલો ઉઠે છે કે, લોકો આ રીતે કેમ જતા હશે, પરંતુ ગાંધીનગરમાં સર્જાતા વારંવારના આવા દ્રશ્યોમાં જ તેનો જવાબ મળે છે. એક તરફ ડિગ્રી હોવા છતાં નોકરીઓ નથી અને બીજી તરફ સરકાર ખાલી જગ્યાઓ પર ભરતી કરતી નથી. આ કારણસર લોકોમાં પણ કાયદેસર કે ગેરકાયદે રીતે વિદેશ જવાની ઘેલછા વધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
