<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે બે યુવકોએ બાંધ્યા સંબંધ: સગીરાએ બાળકને જન્મ આપતા ફૂટ્યો ભાંડો

અમદાવાદ પોલીસે 19 વર્ષીય ધવલ ભરવાડની ધરપકડ કરી: પિતાની ઓળખ કરવા પોલીસે મેડિકલ રિપોર્ટનો લીધો સહારો

અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં એક સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી, સગીરાના માતા પિતા હાજર ન હોવાનો લાભ લઈને ગામમાં અવાવરુ જગ્યાએ બોલાવી અનેક વાર દુષ્કર્મ ગુજાર્યું. સગીરા ગર્ભવતી થતા પ્રેમીને જાણ કરી અને પ્રેમીએ સંબંધો તોડી નાખ્યા, જોકે સગીરાની માતા વતનમાંથી પરત આવતા દીકરીને જોઈને શંકા થઈ, તેને ફોસલાવી પૂછપરછ કરતા આરોપીનો ભાંડો ફૂટી ગયો, જોકે તે જ રાત્રે સગીરાએ એક માસૂમ દીકરીને જન્મ આપ્યો અને પોલીસને જાણ થઈ. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

અમદાવાદ પોલીસે ધવલ ભરવાડ નામનાં યુવકની દુષ્કર્મનાં ગુનામાં ધરપકડ કરી છે. આરોપીની ઉંમર માત્ર 19 વર્ષની પરંતુ આટલી નાની ઉંમરે તેણે એક સગીરાને માઁ બનાવી દીધી છે. બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હેબતપુરનો આ બનાવ છે. 16 વર્ષની સગીરા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે, એક વર્ષ પહેલા તેનો પરિચય ધવલ ભરવાડ સાથે થયો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ધવલ ભરવાડ અવારનવાર સગીરાને ગામમાં આવેલી એક અવાવરુ જગ્યાએ બોલાવતો હતો. જ્યાં વારંવાર સગીરા સાથે શરીર સંબંધ બાંધતો હતો. જોકે જાન્યુઆરી મહિનામાં સગીરાને પોતે ગર્ભવતી હોવાનો અહેસાસ થતાં તેણે પ્રેમી ધવલ ભરવાડને જાણ કરી હતી જે બાદ ધવલ ભરવાડ સગીરા સાથે સંબંધો તોડી તેને તરછોડી દીધી હતી.

સગીરાના માતા ઉત્તર પ્રદેશના વતની હોય તેઓ છ મહિના પહેલા વતનમાં ગયા હતા. તેઓને સંતાનમાં ચાર દીકરી અને ત્રણ દીકરા હોય તેવો સૌથી નાની દીકરીને પોતાના અન્ય દીકરાઓ પાસે મૂકીને વતનમાં ગયા હતા અને ત્રણ દિવસ પહેલા તેઓ પરત ફરતા દીકરીને જોતા તેઓને શંકા થઈ હતી. સગીર દીકરી ગર્ભવતી હોવાની આશંકાથી તેઓએ તેને પૂછપરછ કરતા શકીરાએ કોઈ જવાબ આપ્યો ન હતો. જોકે બાદમાં સગીરાને પેટમાં દુખાવો થતાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. એ બાદ માતાએ પૂછપરછ કરતા સગીરાએ ચોકાવનારા ખુલાસા કર્યા હતા.

સગીરાએ માતાને હકીકત જણાવી હતી કે બે વર્ષ પહેલા બેચા ઠાકોર નામના યુવક સાથે તે સંપર્કમાં આવી હતી, જે યુવકે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, જોકે એક વર્ષ પહેલા ધવલ ભરવાડ સાથે સગીરાને મિત્રતા થઈ અને ધવલ ભરવાડ પણ વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજારી હતું. અંતે આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં બેચા ઠાકોર અને ધવલ ભરવાડ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ધવલ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ બેચા ઠાકોર હજુ ફરાર હોય તેને પકડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. બીજી તરફ પોલીસે સગીરાએ જે દીકરીને જન્મ આપ્યો તેનો પિતા કોણ છે તે જાણવા માટે પકડાયેલા આરોપીના DNA સેમ્પલ લઈ આગળની તપાસ શરૂ કરી છે. તે સગીરાએ જે બાળકીને જન્મ આપ્યો તેનો પિતા ખરેખર કોણ છે તે તો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.

(7:03 PM IST)