<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

અમદાવાદ : ડમી એકાઉન્ટના આધારે બનાવટી પેઢીઓ બનાવી છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ

આરોપીએ ડમી એકાઉન્ટનાં આધારે સત્યમ એન્ટરપ્રાઈઝ, શિવમ એન્ટરપ્રાઈઝ, સુંદરમ એન્ટરપ્રાઈઝ, રૂપલ એન્ટરપ્રાઈઝ, શિવાય એન્ટરપ્રાઈઝ, રાધે અને શ્યામ એન્ટરપ્રાઈઝ એમ કુલ 7 બોગસ પેઢિઓ બનાવી

અમદાવાદ પોલીસે એક એવી ગેંગ પકડી છે જે અલગ જ પ્રકારથી સાયબર ગુના આચરતી હતી. સૌથી પહેલા પૈસાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિને શોધવાનું બાદમાં બેંક એકાઉન્ટ દીઠ સામાન્ય રકમ આપવાનું કહી તે વ્યક્તિના નામે ડમી એકાઉન્ટ ખોલાવવાનું અને તે એકાઉન્ટના આધારે બનાવટી પેઢીઓ બનાવી તે પેઢીના નામથી છેતરપિંડી આચરવામાં આવતી હતી.

ઝોન 7 LCB એ સ્નેહલ ઉર્ફે પીન્ટુ સોલંકી, ચિરાગ કડિયા, ગોપાલ પ્રજાપતિ અને મુકેશ દૈ નામનાં આરોપીઓને કરોડો રૂપિયાના સાયબર ઠગાઈના ગુનામાં પકડવામાં આવ્યા છે. એલિસ બ્રિજ વિસ્તારમાં ઝોન 7 એલસીબીની ટીમે બાતમીના આધારે ચિરાગ કડિયા નામના યુવકને એકટીવા સાથે પકડ્યો હતો અને એકટીવામાં તપાસ કરતા તેની પાસેથી સીમકાર્ડનું પેકેટ, બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને ચેકબુક કબજે કરી હતી. જેની પૂછપરછ કરતા એક મોટા રેકેટનો પર્દાફાસ થયો હતો. ચીરાગ કડિયાની તપાસમાં સામે આવ્યું કે તેને પીન્ટુ ઉર્ફે સ્નેહલ સોલંકી નામનાં યુવકે નોકરી પર રાખી પોતાનાં વટવા ખાતેનું મકાન રહેવા આપી તેમજ એક્ટીવા વાપરવા આપ્યું હતું. તેણે ચિરાગને જરૂરિયાતમંદ લોકોને શોધી તેમને એક બેંક એકાઉન્ટ દીઠ 10 હજાર રૂપિયા આપવાનું કહી તે વ્યક્તિના નામે ડમી એકાઉન્ટ ખોલાવી, તમામ એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે દેશનાં અલગ અલગ રાજ્યોમાં મોકલવાનું કામ સોંપ્યું હતું. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડનાં રૂપિયાની લેવડ દેવડ માટે કરવામાં આવતો હતો.

વધુ તપાસ કરતા સામે આવ્યું કે આરોપીએ ડમી એકાઉન્ટનાં આધારે સત્યમ એન્ટરપ્રાઈઝ, શિવમ એન્ટરપ્રાઈઝ, સુંદરમ એન્ટરપ્રાઈઝ, રૂપલ એન્ટરપ્રાઈઝ, શિવાય એન્ટરપ્રાઈઝ, રાધે અને શ્યામ એન્ટરપ્રાઈઝ એમ કુલ 7 બોગસ પેઢિઓ બનાવી હતી. જે પેઢીઓ બતાવવા માટે અલગ અલગ ઓફિસો ભાડે રાખી સાડી, જીન્સ પેન્ટ, એફ.એમ.સી.જી વગેરે વસ્તુઓનો વેપાર કરતા હોવાના પુરાવા ઉભા કર્યા હતા. જે બોગસ પુરાવાઓ બેંકમાં આપી કરંટ ડમી એકાઉન્ટ ખોલાવતા અને 1200 રૂપિયામાં સીમકાર્ડ મેળવી બેંકની કીટ અને સીમકાર્ડ દુબઈ ખાતે રહેતા જૈમીન ઉર્ફે સેમને મોકલતા હતા. જે એકાઉન્ટમાં ઠગાઈથી મેળવેલા રૂપિયા આવતા જ ઉપાડીને આંગડિયા પેઢી મારફતે દુબઈ ખાતે હવાલા પડાવવામાં આવતા હતા.

આ મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા ગોપાલ પ્રજાપતિ અને મુકેશ દૈયાનું નામ સામે આવતા મુખ્ય આરોપી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાતો તેવા એકાઉન્ટ સામે 36 ફરિયાદ દેશભરમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું તેમજ આવા ખાતાઓમાં 53 કરોડ રૂપિયાનાં વ્યવહાર અત્યાર સુધીમાં થયા હોવાનો ખુલાસો થયો છે. આ આરોપીઓ કોલ સેન્ટર ચલાવી શેર બજારમાં ટ્રેડિંગ કરવાનું કહીને રોકાણ પણ કરાવતા હતા.  તેમજ મોબાઈલમાં પૈસા જમા થવાનો ડમી મેસેજ મોકલી ભુલથી પૈસા મોકલી દીધા હોવાનું જણાવી લીંક મોકલી ઓટીપી મેળવી ઠગાઈ આચરતા હતા. આરોપીઓ પાસેથી ઝોન 7 એલસીબીએ એક્ટીવા, 53 ચેકબુક, 42 ડેબીટ કાર્ડ, 29 સીમકાર્ડ, 15 ક્યુઆર કોડ સ્કેનર, 3 પીઓએસ મશીન સહિત 61 બેંક એકાઉન્ટની વિગતો કબ્જે કરી છે.

આ ગુનાનો માસ્ટર માઈન્ડ જૈમીન ઉર્ફે સેમ ઠક્કર છેલ્લાં 2 વર્ષથી દુબઈમાં રહે છે, તે અગાઉ સી.જી રોડ પર અને બાદમાં મકરબા ખાતે કાર લે વેચનો વ્યવસાય કરતો હતો, તેવામાં કાર લે વેચનાં કામથી લઈને સાયબર નેટવર્ક સુધી તે કઈ રીતે પહોંચ્યો તે બાબતની તપાસ પોલીસે શરૂ કરી છે.

(7:12 PM IST)