News of Wednesday, 26th March 2025
રાજકોટના લોકો પાણીની ચિંતા ન કરે: સરકાર સુદ્રઢ વ્યવસ્થા માટે કટીબદ્ધ: ભૂપેન્દ્રભાઈ પટેલની ખાત્રી
શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવાર માટે રાજકોટ શહેરમાં ૩૪,૦૦૦ આવાસોનું નિર્માણ કરી, જરૂરિયાતમંદ પરિવારોને તેની ફાળવણી કરવામાં આવી છે : શ્રીમતી નયનાબેન પેઢડીયા: રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના રૂ.૫૬૫.૬૩કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યકમ યોજાયો: ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રોકરી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી.

રાજકોટ: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજ તા.૨૬ બુધવારના સાંજે ૦૫:૩૫ કલાકે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો પ્લોટ, કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂમની બાજુમાં, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી, રૂ.૫૮.૫૪ કરોડના ૪ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.૩૩૨.૨૬ કરોડના જુદા જુદા ૩૫ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (૧.૫ BHK)ના ૧૩૩, MIG (૩BHK)ના ૫૦ એમ કુલ ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.૧૭૪.૮૩ કરોડના ૬ પ્રકલ્પોના ખાતમુહૂર્ત માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાંગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજકોટના ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ અને ડૉ.દર્શિતા શાહ, પડધરી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલિસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, રૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને મુકેશભાઈ દોશી, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, સી.કે. નંદાણી અને એચ. આર. પટેલ, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવેલ કે, આજે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડા)ના કુલ રૂ. 565.63 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, અને આવાસ ડ્રોના આ કાર્યક્રમ યોજવા બદલ મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ તથા રૂડાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે, ઇઝ ઓફ લિવિંગ એટલે કે સામાન્ય નાગરિકોના જીવન સરળ, ખુશહાલ, સુખશાંતિમય અને પ્રગતિશીલ બને તે દિશામાં વિશ્વ નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ ખુબ જ ઝડપથી સર્વાંગી વિકાસ હાંસલ કરી રહ્યો છે.
વિશેષ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , આ વખતે રાજકોટને પાણીની ચિંતા ન થાય તે માટેની સુદ્રઢ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી ચુકી છે. નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ના પડે તેવું આયોજન કરવામાં આવેલ છે. લોકોએ આ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી
મુખ્યમંત્રીશ્રીએ આજના આ કાર્યક્રમ અનુસંધાને એમ પણ કહ્યું હતું કે, શહેરની સુખાકારી માટે આજે રૂ. 565.63 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે એક જ દિવસમાં આટલું મોટું કામ થયું છે. ભૂતકાળની વાત કરૂ તો, કોર્પોરેશનમાં પહેલા એક લાખ રૂપિયાનું કામ કરવામાં પણ વાર લાગતી હતી. જોકે આજે એક જ દિવસમાં કરોડોના કામો થાય છે એ આપ સૌની નજર સમક્ષ જોઈ શકાય છે. ભૂતકાળમાં એક લાખ રૂપિયાના કામમાં પણ તકલીફ પડતી હતી ને હવે આજે કરોડોના કામ આસનીથી થાય છે તો તેનું કારણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી છે. તેમના દૂરંદેશીપૂર્ણ દ્રષ્ટિકોણ અને આયોજનના પરિણામે આ બધું શક્ય બની રહ્યું છે. તેમણે બજેટ વધાર્યું, વિવિધ યોજનાઓનો સમાવેશ કર્યો અને એ માટેનું પ્લાનિંગ કરી તેનો ઝડપી અમલ શરૂ કરાવ્યો જેનાથી કામો આસાનીથી થાય છે. સરવાળે શહેર વૈશ્વિક દિશામાં આગળ વધે છે. આપ સૌ જાણો છો કે, તાજેતરમાં જ રાજ્ય સાકાર દ્વારા તાજેતરમાં નગરપાલિકાઓને નવી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો અને તેના પરિણામે જે તે શહેરની વિકાસ પ્રક્રિયાને વેગ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં એ પણ યાદ અપાવ્યું હતું કે, માન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ 2025ના વર્ષને “શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનના માધ્યમથી પણ શહેરી વિકાસને તેજ રફતાર પ્રાપ્ત થઇ શકશે. વિકાસ પ્રક્રિયાને અવિરત આગળ ધપાવવા માટે ગત વર્ષ કરતા આ વખતે 40% બજેટ વધારવામાં આવેલ છે. માન. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થઇ રહ્યો છે. રાજય સરકારે 6 ગ્રોથ સિટી વિકસાવવાનું આયોજન કરેલ છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે અને આગામી સમયમાં રાજકોટને ગ્રોથ સિટી તરીકે વિકસતા આપણે સૌ જોઈ શકીશું. આ મેગા આયોજન માટે આવશ્યકતા જણાશે તો બજેટ વધારવામાં પણ આવશે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, મોદી સરકારે પર્યાવરણ જાળવણી, પાણી, સ્વચ્છતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી તેને અગ્રતા આપી છે અને રાજકોટ પણ તેને અનુસરી રહ્યું છે અને આજે અહીં આવતા જોયું કે, રાજકોટ જે રંગીલું રાજકોટ છે તે જ રંગીલું રાજકોટ સ્વચ્છ પણ દેખાય છે. વિકાસ માટે આપણે સૌએ સાથે મળીને તેમાં સહભાગી થઈએ તો સારા પરિણામો પ્રાપ્ત થઇ શકશે. સરકારની કામગીરીની સાથે નાગરિકો પણ તેમાં પોતાનો સહકાર આપે તે જરૂરી છે. અત્યારનો સમય અમૃતકાળ છે. “સૌના સાથ”થી આપણે આ વર્ષ ઉજવીશું અને વિકાસ તરફ હરણફાળ ભરીશું.
આ કાર્યક્રમમાં માન.મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે,સૌ પ્રથમ આજે પોતાનું “ઘરનું ઘર” કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા પ્રાપ્ત થનાર છે તેવા સૌ આવાસ યોજનાના લાભાર્થી ભાઈઓ-બહેનોને હું ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. દરેક મનુષ્ય માટે રોટી, કપડા અને મકાન આ ત્રણ પોતાના જીવનની મૂળભૂત જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી કરવા વિશ્વનેતા અને દેશના યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આમ ડબલ એન્જિનવાળી સરકાર સતત ચિંતા કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં, શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે શહેરમાં ૩૪ હજાર આવાસોનું નિર્માણ કરી, જરૂરિયાતમંદ પરિવારોને ડ્રો મારફત તેની ફાળવણી કરવામાં આવી છે. આ ટાઉનશીપમાં મકાનની સાથોસાથ ગેસની તથા પાણીની પાઈપલાઈન, ડ્રેનેજ, લિફટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, બાલક્રીંડાગણ, પાર્કિંગ સહિતની અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવે છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અવિરત સહયોગથી રાજકોટ શહેરની વણથંભી વિકાસયાત્રા આગળ ધપી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારશ્રી દ્વારા ત્વરીત નિર્ણય કરી, રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી ભાદર ડેમની પાઈપલાઈન શિફ્ટ કરવા માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે. રાજય સરકારશ્રીના સહયોગથી રાજકોટ શહેરની પાણીની સમસ્યા ભૂતકાળ બનેલ છે. હાલમાં જ રાજય સરકારશ્રી દ્વારા રાજકોટ શહેરને “સૌની યોજના” મારફત નર્મદા ડેમનું પાણી ફાળવતા આજે ઉનાળામાં શહેરના આજી-૧ અને ન્યારી-૧ ડેમ છલોછલ ભરવામાં આવેલ છે.
આજે શહેરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા રૂડા કચેરીના કુલ રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના એકસાથે લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર છે. જેમાં, ખાસ કરીને શહેરના મવડી વિસ્તારમાં નવનિર્મિત આધુનિક “ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ”, શહેરી બસ સેવામાં વધુ નવી ૨૫ ઇલેક્ટ્રીક બસ, કાલાવડ રોડ પર બીજા રિંગ રોડ પાસે નિર્માણ પામનાર “આઇકોનીક ફ્લાયઓવર બ્રિજ”, અન્ય ૪નાના બ્રિજ, શહેરમાં બાંધકામ વિભાગ, ડ્રેનેજ નેટવર્ક, વોટર વર્કસ નેટવર્કના કામ સહિતના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે તેમજ “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતર્ગત નિર્માણ પામેલ પૈકી ખાલી પડેલ ૧૮૩ આવાસ લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી, આવાસની ફાળવણી કરવામાં આવનાર છે. સાથોસાથ રૂડા કચેરીના નવા રિંગ રોડ ડેવલોપમેન્ટ અને રૂડા હસ્તકનાં ગામોમાં ડ્રેનેજ નેટવર્ક સહિતના કુલ રૂ.૧૭૪.૮૩ કરોડના ૬કામોનું ખાતમુહૂર્ત થનાર છે. આમ, રાજકોટને આજે એકસાથે અલગ અલગ વિભાગના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ થકી, શહેરીજનોની સુવિધામાં અને સુખાકારીમાં અનેકગણો વધારો થનાર છે.
રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો “જ્યાં માનવી ત્યાં સુવિધા” તથા “સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ”ના સૂત્ર સાથે શહેરમાં પાયાના મહત્વના અનેકવિધ પ્રોજેક્ટ્સનું નિર્માણ કાર્ય ગતિમાં છે. જેમાં, ખાસ કરીને પીવાના શુધ્ધ પાણી માટે ડી.આઈ.પાઈપલાઈન તથા ડ્રેનેજ નેટવર્કના કામો, નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો, જામનગર રોડ સાંઢીયા પૂલ ખાતે ફ્લાયઓવર બ્રિજ, પ્રદ્યુમન પાર્ક પાસે એશિયાટીક લાયન સફારી પાર્ક, નવા ફાયર સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાના બિલ્ડીંગ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, આવાસ યોજના સહિતના અનેકવિધ કામો ગતિમાં છે.
રાજકોટ શહેર રહેવાલાયક, માણવાલાયક, હરીયાળું અને રળિયામણું બને તે માટે સાથોસાથ શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ૫લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે, શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સી.એન.જી. તથા ઇલેક્ટ્રિક બસ, ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસીંગ, મેગા સ્કેલ સોલાર રૂફટોપ વગેરે જેવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેર ખરા અર્થમાં “લિવેબલ સિટી” અને “સ્માર્ટ સિટી” બને તે દિશામાં અવિરતપણે આગળ ધપી રહ્યુ છે અને તેમાં "સૌનો સાથ સહકાર" મળી રહેશે તેવી મને ચોક્કસપણે અપેક્ષા છે. ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં “વિકસિત ભારત” બનાવવાની દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ.
આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દ હસ્તે કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવેલ. મુખ્યમંત્રીનું પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને લગત સમિતિના ચેરમેન દ્વારા સંયુક્ત રીતે, રાજકોટના ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખ તથા શહેર ભાજપ મહામંત્રીઓ દ્વારા સંયુક્ત રીતે તેમજ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર દ્વારા મોમેન્ટો અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ડાયસ ઉપસ્થિત અન્ય મહાનુભાવોનું રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર દ્વારા પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત કરવામાં આવેલ. માન.મુખ્યમંત્રી શ્રી દ્વારા વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ કરવામાં આવેલ તેમજ રીમોટ કંટ્રોલના માધ્યમથી લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવેલ. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોની વિસ્તૃત વિગતો દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયાએ આભાર વિધિ કરેલ.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
