<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

અમદાવાદના નારોલમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: મૃતકનું મોત અકસ્માતમાં નહી પરંતુ હત્યા થયાનું ખુલ્યું

મૃતક ભગીરા નશાની હાલતમાં તેમની સાથે રહેતા લોકો સાથે ઝઘડો કરતા તે લોકોએ માર માર્યો અને તેની હત્યા નિપજાવી

અમદાવાદ :શહેરનાં નારોલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક યુવકની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી હતી, રાહદારીએ ટ્રાફિક પોલીસને જાણ કરી કે તે યુવકનું અકસ્માત થયું અને મોત થયું છે, પોલીસે મૃતદેહને પીએમ કરાવવા મોકલ્યુ અને અકસ્માતનાં પુરાવા મેળવવા આસપાસનાં CCTV ફૂટેજ તપાસ કરતા એક મોટો ખુલાસો થયો, મૃતકની મોત અકસ્માતમાં નહી પરંતુ હત્યા કરવાથી થઈ હતી. જે કેસમાં ટ્રાફિક પોલીસે બે હત્યારાને ઝડપી પાડ્યા છે. 

અમદાવાદમાં ફરી એક વખત હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્લાનનો પર્દાફાસ થયો છે. ગત તારીખ 19 માર્ચનાં રોજ નારોલ સર્કલ પાસે એક અકસ્માત થયો હોવાનો ફોન પોલીસને મળ્યો હતો. જેને આધારે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ મૃતદેહની શરીરની સ્થિતિ જોતા ભારે વાહન સાથે અકસ્માત થયો હોય તે પ્રકારની ઈજાઓ ન દેખાતા પોલીસને અન્ય કોઈ કારણે મૃત્યુ થઈ હોવાની આશંકા જતા તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV અને અન્ય બાતમીદારો મારફતે તપાસ કરતાં સામે આવ્યું કે મૃતક યુવકને અન્ય લોકો સાથે ઝઘડો થયો હતો, જેમાં તેની હત્યા કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. પીએમ અને એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું કે મૃતકના શરીર પર ઇજાના નિશાન છે જેથી પોલીસે વધુ તપાસ કરી હતી. 

ટ્રાફિક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતકનું નામ ભગીરા છે અને તે છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં અન્ય લોકો સાથે રહી કામકાજ કરતો હતો. મૃતક ભગીરાને તેની સાથે રહેતા અન્ય લોકો સાથે ઝઘડો થયો હતો. મૃતક ભગીરા નશાની હાલતમાં તેમની સાથે રહેતા લોકો સાથે ઝઘડો કરતા તે લોકોએ માર માર્યો હતો અને તેની હત્યા નિપજાવી હતી, જેથી પોલીસ દ્વારા રાજુસિંગ ઉર્ફે બાલો અને ઈશ્વરસિંગ ઉર્ફે મારવાડીની ધરપકડ કરી છે. જોકે હજી પણ એક કે બે લોકો યુવકની હત્યામાં સામેલ હોય તેવી શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા બે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓના નિવેદન અને CCTV ફૂટેજના આધારે પોલીસ દ્વારા કોર્ટમાં હત્યાની કલમનો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ નારોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે નશાની હાલતમાં અન્ય લોકો સાથે ઝઘડો કરતા મૃતક ભગીરાને મારમારી હત્યા કરી દેવામાં આવી છે, ત્યારે હવે નારોલ પોલીસ દ્વારા આ મૃતક યુવક કોણ છે તેમજ તેના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને ખરેખર ભગીરાની હત્યા ઝઘડાને કારણે થઈ છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તેની તપાસ પણ શરૂ કરાઈ છે.

(8:13 PM IST)