<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

મોરારીબાપુની આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની વાત તદ્દન ખોટી :આદિવાસી અગ્રણી અમરસિંહ ચૌધરી

મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને ટોલનાકાનો ઘેરાવ કર્યો: 20 કિમી લાંબી વાહનોની કતાર લાગી:સતત 2 કલાક સુધી ચાલેલા આ આંદોલનના કારણે હજારો વાહન ચાલકો અટવાયા

તાપી જિલ્લાના સોનગઢમાં હોળીના અવસરે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા ધર્માંતરણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતુ. આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ ધર્માંતરણની પ્રવૃતિમાં સંડોવાયેલા શિક્ષકો વિરુદ્ધ પગલાં લેવાનું જણાવ્યું હતુ. એવામાં આજે માડળ ટોલનાકાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં ઉપસ્થિત રહેલા આદિવાસી અગ્રણીએ મોરારીબાપુના નિવેદનને ખોટું ગણાવ્યું હતુ.

આ અંગે તાપીના આદિવાસી આગેવાન અમરસિંહ ચૌધરીએ જણાવ્યું કે, અહીં ધર્માંતરણ થવાની મોરારી બાપુની વાત તદ્દન ખોટી છે. અહીં કોઈ ધર્માંતરણ થતું નથી. અમને સુધારીને બગાડવાની જરૂર નથી. અમને આદિવાસી જ રહેવા દો.

હકીકતમાં તાપી જિલ્લા સોનગઢ તાલુકાના માંડળ ગામનું ટોલનાકું શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ ટોલનાકા પર સ્થાનિકોના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની ઉગ્ર માંગ થઈ રહી છે. ગત સપ્તાહે અમરસિંહ ચૌધરી સહિત સોનગઢના સ્થાનિક આગેવાનોએ ટોલનાકા પર એકઠા થઈને સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. આ સમયે ટોલ પ્લાઝાના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની ખાતરી હતી. જે બાદ 26 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ.

આથી આજે ટોલનાકા પર લોકો એકઠા થાય તે પહેલા જ સ્થાનિક પોલીસ દ્વારા કેટલાક લોકોને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. આમ છતાં આજે મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને ટોલનાકાનો ઘેરાવ કર્યો હતો. જેના પરિણામે 20 કિમી લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. સતત 2 કલાક સુધી ચાલેલા આ આંદોલનના કારણે હજારો વાહન ચાલકો અટવાયા હતા.

(9:00 PM IST)