News of Wednesday, 26th March 2025
વડોદરાના ફતેપુરા-હાથીખાના વિસ્તારના દબાણો હટાવાયા
માલ સામાન મળીને ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યોઃદુકાનદારોએ બહાર ફૂટપાથ પર મુકેલો માલ સામાન, તથા શેરડીના કોલા, કેરી રસના તંબુ, અને તરબૂચના શેડ તોડી પાડ્યા હતા

વડોદરા,તા.૨૬: વડોદરા શહેરમાં ચારે બાજુએ પાલિકા તંત્ર દ્વારા શરૃ થયેલી દબાણ હટાવો ઝુંબેશમાં દબાણ શાખાની ટીમે આજે વોર્ડ નં.૬-૭માં દબાણ હટાવવાની કામગીરી કરી હતી. સંવેદનશીલ ફતેપુરા વિસ્તારના મંગલેશ્વર ઝાંપા વિસ્તારના કાચા પાકા દબાણો સહિત હાથી ખાનાથી ફતેપુરા વિસ્તારના આસપાસના દબાણોથી ભૂતડી ઝાપાથી શ્રીનાથ પેટ્રોલ પંપ સુધી અને ગબ્બર એપાર્ટમેન્ટથી કારેલીબાગની વાયરો હોસ્પિટલ સુધીના કાચા પાકા દબાણો સહિત શેરડીના કોલા, કેરી રસના તંબુ, તરબૂચવાળાના અનેક શેડ સહિત ખેર ઠેરથી અનેક લારી-ગલ્લા-પથારાના અને ગેરકાયદે ગેરેજ રીપેરીંગના ગલ્લા હટાવતા વિસ્તારમાં અનેક જગ્યાએ તું તું મેં મેં થવા સહિત ઉમટેલા લોક ટોળાને પોલીસ કાફલાએ ધીરજ અને સંયમપૂર્વક કુનેહ દાખવી હટાવી દીધા હતા. જોકે દબાણ શાખાની ટીમે કેટલીક લારીઓ સહિત અન્ય માલ સામાન મળીને ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્રના આદેશ મુજબ દબાણ શાખાની ટીમ આજે સંવેદનશીલ ફતેપુરાના મંગલેશ્વર ઝાપા વિસ્તારમાં પહોંચી ગઈ હતી. જ્યાં રોડ રસ્તાને રોકતા અનેક ખાણીપીણી-ચાની લારીઓ, સહિત દુકાનદારોએ બહાર ફૂટપાથ પર મુકેલો માલ સામાન, તથા શેરડીના કોલા, કેરી રસના તંબુ, અને તરબૂચના શેડ તોડી પાડ્યા હતા.
આ ઉપરાંત સંવેદનશીલ ફતેપુરા હાથી ખાનાથી ભૂતડી ઝાપા-શ્રીનાથ પેટ્રોલ પંપથી ગબ્બર એપાર્ટમેન્ટ થઈને કારેલીબાગ વાયરોક હોસ્પિટલ સુધીના રોડ રસ્તા સહી ફૂટપાથો પર થયેલા ગેરકાયદે દબાણનો સફાયો કરીને કુલ ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં દબાણ શાખાની ટીમની કાર્યવાહી દરમિયાન ઠેક-ઠેકાણે લોકોના ટોળા એકત્ર થયા હતા. જ્યારે કેટલીક જગ્યાએ તું તું મેં મેં સહિત બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા પરંતુ કારેલીબાગ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના કાફલાએ સંયમ પૂર્વક કામગીરી કરીને ટોળાને હટાવી દીધા હતા જેથી દબાણ શાખાની કાર્યવાહી શાંતિથી પૂર્ણ થઈ હતી.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
