તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
વડોદરાના ઉડરા ગામમા યુવતિને ગાયે અડફેટમાં લેતા મોત થતા પાલિકા તંત્ર મોડે મોડે જાગ્યું : ત્રણ ઢોરવાડા તોડી નાંખી આઠ ગાયો કબ્જે કરી : 4 હજારનો દંડ ફટકારતા વિસ્તારના પશુપાલકોમાં ફફડાટ
અકસ્માત જે સ્થળે થયો ત્યાં મોટાપાયે પશુપાલકોના ઢોરવાડા હોવાને કારણે તેઓ ઢોરને છુટા મુકી દેતા હોવાથી આ ઘટના બની હોવાથી લોકોમાં રોષની લાગણી ભભુકી ઉઠી હતી

વડોદરા તા.૨૯ : વડોદરાના ઉડેરા તળાવ રામદેવ પાર્ક નજીકથી ગત સોમવારે એક્ટિવા ઉપર પસાર થતી 32 વર્ષની યુવતિને ગાયે અડફેટમાં લેતા તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હોવાની ચક્ચારી ઘટનાને પગલે પાલિકા તંત્ર મોડે મોડે જાગ્યું છે. ઉડરા ગામના ત્રણ ઢોરવાડા તોડી નાંખી આઠ ગાયો કબ્જે કરી છે. આ સાથે 4 હજારનો દંડ ફટકારતા વિસ્તારના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ગત સોમવારે કોયલીના ઝવેરપુરા ભારત પેટ્રોલ પંપ નજીક રહેતા 32 વર્ષીય સુરેખાબેન ગણપતભાઈ સોલંકી પોતાની એકટીવા લઈ ગોત્રી જવા માટે નીકળ્યા હતા. ત્યારે ઉડેરા તળાવ નજીક અચાનક ધસી આવેલી ગાયને કારણે સુરેખાબેન સોલંકી એકટિવા સાથે રોડ ઉપર પટકાતા તેમને ગંભીર હાલતમાં 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જવાહરનગર પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત જે સ્થળે થયો ત્યાં મોટાપાયે પશુપાલકોના ઢોરવાડા હોવાને કારણે તેઓ ઢોરને છુટા મુકી દેતા હોવાથી આ ઘટના બની હોવાથી લોકોમાં રોષની લાગણી ભભુકી ઉઠી હતી. જેને લઈ પાલિકાના અધિકારી દેવુભા ઝાલા અને તેમની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઉડેરા તળાવ નજીકના ત્રણ ઢોરવાડા તોડી પાડયા હતા. તેમજ આઠ ગાયો પણ કબ્જે લેવામાં આવી હતી. પશુપાલકોને 4 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
