તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
બિમાર ભાઈની સારવાર કરાવવા માટે પૈસા ન હોવાથી અમદાવાદનો અર્જુન ચુનારા ગુનાના રવાડો ચઢ્યો : અલગ-અલગ વિસ્તારોમાં રાતનાં સમયે નીકળતો અને જ્યાં મેળ આવે ત્યાં ચોરી કરતો
જોકે અમદાવાદ પોલીસનાં સ્નિફર ડોગે તેને ઓળખી બતાવતા પોલીસે તેની ધરપકડ કરી : સર્વોદય સોસાયટીમાં મકાનમાંથી બુધવારે રાતનાં સમયે રોકડ, દાગીનાં, રોલેક્ષ ઘડિયાળ સહિતનાં 13.96 લાખની કિંમતનાં મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

અમદાવાદ તા.૨૯ :બિમાર ભાઈની સારવાર કરાવવા માટે પૈસા ન હોવાથી અમદાવાદનો એક યુવક ગુનાના રવાડો ચઢ્યો, અલગ-અલગ વિસ્તારોમાં રાતનાં સમયે નીકળતો અને જ્યાં મેળ આવે ત્યાં ચોરી કરવાનું શરૂ કર્યું, જોકે અમદાવાદ પોલીસનાં સ્નિફર ડોગે તેને ઓળખી બતાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
તપાસ કરનાર અધિકારીમણિનગર પોલીસે અર્જુન ચુનારા નામનાં યુવકની ચોરીનાં ગુનામાં ધરપકડ કરી છે. આ યુવક ઈસનપુર વિસ્તારમાં રામ ગલીનાં છાપરામાં રહે છે, આ આરોપીએ મણિનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં મકાનમાંથી બુધવારે રાતનાં સમયે રોકડ, દાગીનાં, રોલેક્ષ ઘડિયાળ સહિતનાં 13.96 લાખની કિંમતનાં મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાની જાણ પરિવારને થતા મકાન માલિક દર્શીલ ઠક્કરે મણિનગર પોલીસને જાણ કરી હતી, મણિનગર પોલીસની ટીમે તપાસ કરી આસપાસનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહે સીસીટીવીમાં દેખાતા યુવકને ઓળખી લીધો હતો. જેથી તેને ઈસનપુરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલો મુદ્દામાલ
પોલીસે ઘટના બનતાની સાથે જ પુરાવા મેળવવા અને આરોપીને પકડવા માટે ડોગ સ્કોર્ડની મદદ લીધી હતી, જોકે પોલીસની અન્ય ટીમે આરોપીને પકડ્યો હતો પણ તે ગુનાની કબૂલાત કરતો ન હતો, જે બાદ ડોગ સ્કોર્ડને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. ડોગ હેન્ડલર દ્વારા ઓરિયો શ્વાનને આરોપીને સામે લવાયો ત્યારો ઓરિયો શ્વાન તરત જ આરોપી પાસે જ જવા લાગ્યો હતો, અને આરોપીએ ઓરિયો શ્વાનનાં ડરથી પોતાનાં ગુનાની કબૂલાત કરી અને સાથે જ ચોરી કરેલા મુદ્દામાલની પણ વિગતો પોલીસને આપી દીધી, જેથી મણિનગર પોલીસે શ્વાનની મદદથી ચોરીના ગુનાને ગણતરીનાં કલાકોમાં ઉકેલી લીધો હતો.
પોલીસે આરોપી અર્જુન ચુનારાની પુછપરછ કરતા સામે આવ્યું કે, તેનાં ભાઈને પેટની બિમારી છે અને ઘરની જવાબદારી તેના માથે હોવાથી તે ચોરીનાં રવાડે ચઢ્યો હતો. આરોપી અગાઉ પણ મણિનગર, પાલડી, સહિતના અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે અને જેલવાસ પણ ભોગવી ચુક્યો છે, તેવામાં પોલીસે આરોપીને પાસેથી 14 લાખની કિંમતનો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
