<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

ઈન્સ્ટાગ્રામમાં ખરાબ કોમેન્ટ કરી ફોટો મોકલ્યો હતો. જેથી કંટાળીને યુવતીએ માતા પિતા સાથે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની અંદર વાતચીત કરતા હતા, ત્યારે કાર્તિક ભોઈ અચાનક ઉશ્કેરાયો અને ગંદી ગાળો આપી યુવતિનો ડ્રેસ ફાડી નાખ્યો

કાર્તિક ભોઈ સામે આઈટી એક્ટ અને છેડતીની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ રામોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ તા.૨૯

શહેરનાં રામોલમાં આવેલા સીટીએમ પાસે રહેતી એક યુવતીએ પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી છે. 19 વર્ષીય જીનલ (નામ બદલેલ છે) વડોદરાની યુનિવર્સીટીમાં ઓનલાઈન અભ્યાસ કરે છે.  તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે, તેવામાં સમાજનાં માણસો મારફતે નાના ચીલોડા ખાતે રહેતા કાર્તિક ભોઈ સાથે ઓગસ્ટ 2024માં જીનલની સગાઈની વાત કરી હતી. જોકે કાર્તિક કામ ધંધો શુ કરે છે, તેની વિચારસરણી કેવી છે, તે જીનલને સારી રીતે રાખશે કે કેમ તે જાણવા માટે જીનલે એક મહિનાં સુધી સગાઈની વાતચીત ચાલુ રાખી હતી. 

જે દરમિયાન જીનલને જાણ થઈ હતી કે કાર્તિક ભોઈ નશો કરવાની ટેવ ધરાવે છે.  જેનાં કારણે અગાઉ તેની બે વખત સગાઈ તુટી ગઈ છે. જેથી જીનલને કાર્તિકનો સ્વભાવ અનુકૂળ ન આવતા તેણે કાર્તિક સાથે સગાઈ કરવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ પણ કાર્તિક અવારનવાર જીનલને ફોન કરી તેની સાથે સગાઈ કરવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. જેનાં કારણે જીનલે કાર્તિકને બન્ને મોબાઈલ નંબર બ્લોક કરી નાખ્યા હતા. ત્યારબાદ કાર્તિકે જીનલને 5  જેટલા જુદા જુદા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી  મેસેજ કરી પોતાની સાથે વાત કરવા, નંબરો અનબ્લોક કરવા, તેની સાથે સગાઈ કરવા દબાણ કર્યું હતું. જેથી કંટાળીને જીનલે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં કાર્તિક ભોઈ સામે અરજી કરી હતી.

સમાધાન બાદ ઇન્સ્ટાગ્રામ પર ફોટા કર્યા અપલોડ 

જે અરજી બાબતે સમાજનાં આગેવાનો મારફતે 15 જાન્યુઆરી 2025નાં રોજ જીનલે સમાધાન કર્યું હતું. જે સમાધાન થયાનાં બે દિવસ પછી કાર્તિકે ફરી ઈન્સ્ટાગ્રામ પર નવી આઈડી બનાવી મેસેજ કર્યા હતા અને જીનલનાં ફોટો તેની મંજૂરી વિના અપલોડ કર્યા હતા. જે બાદ ગત 26 માર્ચ 2025નાં રોજ કાર્તિકે તેની મિત્રનાં ઈન્સ્ટાગ્રામમાં ફોટો મોકલી તેનાં મારફતે જીનલનાં ઈન્સ્ટાગ્રામમાં ખરાબ કોમેન્ કરી ફોટો મોકલ્યો હતો. જેથી કંટાળીને જીનલ 28મી માર્ચે માતા પિતા સાથે રામોલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. 

પોલીસની સામે જ કર્યું આ કામ 

જે સમયે કાર્તિક અને તેની સાથે અન્ય સંબંધી પણ આવ્યા હતા અને તેઓ પોલીસ સ્ટેશનની અંદર વાતચીત કરતા હતા, ત્યારે કાર્તિક ભોઈ અચાનક ઉશ્કેરાયો હતો અને જીનલને ગંદી ગાળો આપી જીનલનો ડ્રેસ ફાડી નાખ્યો હતો, જે બાદ તેણે જીનલ સાથે ઝપાઝપી કરી હતી.  જીનલનાં માતાપિતા વચ્ચે છોડાવવા પડતા કાર્તિકે જીનલનાં પિતાને પણ ધક્કો મારી દીધો હતો. જે બાદ કાર્તિકે જીનલને ડાબા હાથની કલાઈમાં બચકુ ભરી નખોરીયા માર્યા હતા, જે બાદ આસપાસનાં લોકોએ જીનલને બચાવી હતી. અંતે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં કાર્તિક ભોઈ સામે આઈટી એક્ટ અને છેડતીની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે, રામોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:31 PM IST)