News of Sunday, 30th March 2025
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર GIDCમાં એક કંપનીમાં આગ ભભૂકીઃ સંચાલકોના જીવ તાળવે ચોંટ્યો
વહેલી સવારે આ બનાવ ઘટવા પામ્યો હતોઃ ફાયર લાશ્કરો તુરંત ઘટના સ્થળે દોડી આવી ભીષણ આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી

વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલી એક કંપનીમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસ આવેલ અન્ય કંપની સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર લાશ્કરો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભીષણ આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
સાવલી તાલુકાના મંજુસર ઔદ્યોગિક એકમમાં આજે વહેલી સવારે મંજુસર GIDCમાં વધુ એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ટાઇલ્સનો પાવડર બનાવતી ટોરેસીડ પ્રા.લી નામની કંપનીમાં વહેલી સવારે અગમ્યકારણોસર આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી.
ફાયર લાશ્કરો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ એટલી ભીષણ હતી કે, ચારથી વધુ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવા સતત આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે હાલ આગનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. પરંતુ સદ્નસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સાવલી તાલુકાના મંજુસર GIDCમાં પાંચ દિવસમાં આગની આ બીજી ઘટના છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
