<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વ્‍હેલુ આવશે ?

ઝડપથી પરિણામ જાહેર થાય તો હાયર એજ્યુકેશન માટેની એડમિશન પ્રક્રિયા પણ ઝડપથી થઈ શકે તેને લઈને ઝડપથી પરિણામ માટે કામગીરી તેજ કરી દેવાઈ છે.

અમદાવાદ: ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનુ પરિણામને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ પરિક્ષાનું પરિણામ પણ વહેલુ જાહેર થઈ શકે છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બોર્ડે કવાયત શરુ કરી છે. આ પરિણામ એપ્રિલ માસના અંતમાં જાહેર થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. ઝડપથી પરિણામ જાહેર થાય તો હાયર એજ્યુકેશન માટેની એડમિશન પ્રક્રિયા પણ ઝડપથી થઈ શકે તેને લઈને ઝડપથી પરિણામ માટે કામગીરી તેજ કરી દેવાઈ છે.

સામાન્ય રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ માસના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાતી હતી પરંતુ આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં લેવાઈ હતી. આ પરીક્ષાની ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી પણ વહેલી શરુ કરવામાં આવી હતી જે હવે પુર્ણતાના આરે છે. જેના પગલે બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ વહેલુ જાહેર કરવાની કવાયત શરુ કરી છે. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 માર્ચના રોજ પૂર્ણ થયાના બીજા દિવસથી જ ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી હતી. અને આ ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરીમાં 65 હજારથી વધુ શિક્ષકોને કામે લગાડવામાં આવ્યા છે. રાજ્યમાં 450થી વધુ મુલ્યાંકન કેન્દ્ર પર આ કામગીરી પૂર જોશમા ચાલી રહી છે અને હવે એ કામગીરી પૂર્ણતાના આરે છે.

ધોરણ 10 અને ધોરણ 12ની કુલ મળી 77 લાખ ઉત્તરવહી ચકાવાની કામગીરી કરવાની હતી જેમાં અત્યારસુધીમાં 69 લાખ જેટલી ઉત્તરવહી ચકાસવાની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે અને બાકીની ઉત્તરવહી ચકાસવાની કામગીરી પણ આગામી 4 એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાર બાદ પરિણામ જાહેર કરવાની કામગીરી હાથ ધરાશે. મહત્વનું છે કે બોર્ડ દ્વારા ઝડપથી પરિક્ષા અને ત્યાર બાદ ઝડપથી પરિણામ જાહેર કરવાની કવાયત હાથ ધરાઈ છે જેમાં બોર્ડની આ ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરીમાં હાજર નહિ રહેનાર શિક્ષકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે તેમની સામે પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે

(1:31 PM IST)