News of Sunday, 30th March 2025
ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં વિરમગામના ઓગાણ ગામે અશ્વ હરીફાઈ યોજાઇ
અશ્વ હરીફાઈ જેવા કાર્યક્રમો પરંપરાનું પ્રતીક અને શૌર્યનો મહોત્સવ છે - ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત : અશ્વોની પાટીદોડ અને મોટી રેવાલ ચાલમાં વિજેતા અશ્વોના માલિકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકાના ઓગાણ ગામે રુદ્રાક્ષ અશ્વ ગ્રૂપ દ્વારા આયોજિત અશ્વ હરીફાઈમાં ઉપસ્થિત ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અશ્વ હરીફાઈ એ ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાને જાળવી રાખવાનું અનોખું અભિયાન છે. તેમણે ઉમેર્યું હતું કે આવી સ્પર્ધાઓ અને કાર્યક્રમો થકી ઐતિહાસિક યુદ્ધકળા, શૌર્ય અને અશ્વસંવર્ધનનું પ્રતિબિંબ જોવા મળે છે. શિસ્ત, સમર્પણ, આત્મ વિશ્વાસનો સંદેશ આપતાં આ પ્રકારના કાર્યક્રમો આપણી પરંપરાના જિવંત પ્રતીક હોવાની સાથે શોર્યનો મહોત્સવ પણ છે. તેમણે ઉમેર્યું કે સાણંદ ખાતે એક તરફ, સેમિકન્ડકટર્સ ચિપ ઉત્પાદનનાં મહત્ત્વનાં એકમો છે, તો બીજી તરફ, અશ્વ હરીફાઈ જેવા આયોજનો થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના અભિગમનો સમન્વય એક સાથે જોઈ શકાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટેનો ગુજરાતનો રોડમેપ તૈયાર છે. જેના થકી ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે અને રાજ્યના છેવાડાના માનવીનો વિકાસ થાય, તે દિશામાં આગળ આવવા સૌને સાથ અને સહકારથી કામ કરવા મંત્રી રાજપૂતે અપીલ કરી હતી.
આ તકે ઉપસ્થિત વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે અશ્વ ગ્રૂપ દ્વારા અશ્વ હરીફાઈના આયોજનથી નવીન શક્તિનો સંચાર અને લોકોને એક સાથે જોડીને આપણી સાંસ્કૃતિક ધરોહરને જોડવાનું કામ થયું છે. તેમણે રાજપૂત યુવા ગ્રૂપના સહયોગ થકી નવતર કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા સમયમાં આ વિસ્તારમાં વિકાસનાં અનેક કામો થવાનાં છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
જ્યારે ગૌ ભક્ત ચૈતન્યશંભુ મહારાજે પૌરાણિક કાળથી અશ્વોની વિવિધ નસલ અને તેના મહત્ત્વ વિશે માહિતી આપી, સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ રુદ્રાક્ષ ગ્રૂપને અભિનંદન અને આશીવર્ચન પાઠવ્યા હતા.
આ અશ્વ હરીફાઈમાં મોટી રેવાલ ચાલ અને પાટી દોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રેષ્ઠ ત્રણ અશ્વો અને તેના માલિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનારને અનુક્રમે રૂ. એક લાખ, રૂ. ૫૧ હજાર અને રૂ. ૩૧ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, કનુભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ, વિરમગામ એપીએમસીના ચેરમેન ભરતસિંહ સિંધવ, પ્રદીપસિંહ વાઘેલા, શૈલેષભાઇ દાવડા, સાણંદ-વિરમગામ તાલુકા અને અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્યો, ચેરમેનો, રૂદ્રાક્ષ અશ્વ ગ્રૂપ સાણંદ-વિરમગામના હોદ્દેદારો, સભ્યો, અશ્વધારકો અને અશ્વચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
