<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

ભાજપ પર પક્ષપાતનો આરોપ લગાવનાર વિક્રમ ઠાકોરના જન્મદિનનું આયોજન: ફેન્સને નિમંત્રણ

કુડાસણ રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટમાં પોતાના જન્મદિનનું ભવ્ય આયોજન કર્યું

અમદાવાદ :  ગુજરાત વિધાનસભામાં પોતાને આમંત્રણ ના મળવાથી નારાજ થયેલા વિક્રમ ઠાકોર હાલ ચર્ચામાં છે, ત્યારે આવતીકાલે તેમનો જન્મદિન આવી રહ્યો છે. વિક્રમ ઠાકોર દ્વારા આવતીકાલે કુડાસણ રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટમાં પોતાના જન્મદિનનું ભવ્ય આયોજન કર્યું છે, જેમાં ફેન્સને પહોંચવા માટે આમંત્રણ આપ્યું છે.
   આ સંદર્ભે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂક્યો છે. જેમાં અભિનેતા કહી રહ્યા છે કે, આવતીકાલે પહેલી એપ્રિલના રોજ મારો જન્મદિન છે. આ દિવસે મારા ચાહકો વહેલી સવારથી જ મારી ઑફિસ પર આવી જતા હોય છે.
   મારી મારા ફેન્સને ખાસ વિનંતી છે કે, સવારથી કોઈ મિત્ર મારી ઑફિસ પર ના આવે. સાંજે 4 વાગ્યાથી કુડાસણ રોડ પર આવેલ ગણેશ પાર્ટી પ્લોટમાં મારી બર્થ ડેનું આયોજન કરવામાં આવ્યુ છે. આથી દરેક ફેન્સ સાંજે 4 વાગ્યે કુડાસણ રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટ પર આવી જાય.
   થોડા દિવસ અગાઉ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ગુજરાતી લોકગાયકો અને લોકકલાકારોનું વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું હતું. જોકે પોતાને આમંત્રણ ના મળતા નારાજ થયેલા વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. જેના પગલે ઠાકોર સમાજમાં પણ રોષ જોવા મળ્યો હતો.
    આખરે વિવાદ વધુ વકરે અને લોકોમાં ખોટો સંદેશો જાય, તે પહેલા સરકાર દ્વારા 26 અને 27 માર્ચ એમ બે દિવસ દરમિયાન ગુજરાતી ફિલ્મ જગતની હસ્તિઓને વિધાનસભામાં બોલાવીને સન્માનિત કરવામાં આવી હતી. જો કે આ સમયે પણ વિક્રમ ઠાકોર આમંત્રણ મળવા છતાં ગેરહાજર રહ્યાં હતા. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે વિક્રમ ઠાકોરની નારાજગીને વ્યાજબી ઠેરવી હતી

 ખુદ વિક્રમ ઠાકોરે પોતાના પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. કેજરીવાલે પોતાને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું હોવાનું કહેતા વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી કરશે અને આમ આદમી પાર્ટીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પકડ્યું છે. એવામાં આવતીકાલે પોતાના જન્મદિને વિક્રમ ઠાકોર કંઈ મોટો ખુલાસો કરે તો નવાઈ નહીં

(7:20 PM IST)