<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ગુજરાત સરકારનો ખેડૂતોની માંગણીને સમર્થન આપતો મોટો નિર્ણય : તુવેર ખરીદીનો સમય 30 એપ્રિલ સુધી લંબાવાયો

58,300 ખેડૂતો પાસેથી 1.11 લાખ મે. ટન તુવેર ખરીદાઈ : રૂ. 841 કરોડથી વધુનું મૂલ્ય ચૂકવાયું - કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગાંધીનગર, ૧ એપ્રિલ ૨૦૨૫: ગુજરાત સરકારે ખેડૂતોની માંગણીને વાચા આપતો એક મહત્ત્વનો નિર્ણય લઈને ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધી લંબાવ્યો છે. આ નિર્ણયથી રાજ્યનો કોઈ પણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત નહીં રહે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, ચાલુ વર્ષે ગુજરાતમાં તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. 7,550 પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. આ આકર્ષક ભાવને કારણે રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં 58,300 જેટલા ખેડૂતો પાસેથી 1.11 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે, જેનું કુલ મૂલ્ય રૂ. 841 કરોડથી વધુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત 24 ફેબ્રુઆરીએ રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. આ ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો કે, જે ખેડૂતોએ નોંધણી કરાવી છે પરંતુ હજુ સુધી તુવેરનું વેચાણ નથી કર્યું, તેમની પાસેથી પણ ખરીદી પૂર્ણ કરવામાં આવે. આ માટે ખરીદીનો સમયગાળો, જે અગાઉ માર્ચના અંત સુધી હતો, તેને હવે 30 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણયથી બાકી રહેલા તમામ ખેડૂતોને ટેકાના ભાવે તુવેર વેચવાની તક મળશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે, ગુજરાત સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને સુખાકારી માટે સતત પ્રયાસો કરી રહી છે. તુવેરની ખરીદીનો સમય લંબાવવાનો નિર્ણય આ દિશામાં એક મહત્ત્વનું પગલું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં તુવેરનું ઉત્પાદન આ વર્ષે સારું રહ્યું છે, અને ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને ન્યાયી વળતર મળી રહ્યું છે. આ ઉપરાંત, ખેડૂતોને ખરીદી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે.

આ નિર્ણયથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેચવા માટે ઉત્સાહિત છે, અને સમયગાળો લંબાવવાથી જે ખેડૂતો અત્યાર સુધી વેચાણથી વંચિત રહી ગયા હતા, તેમને પણ લાભ મળશે. ખેડૂત સંગઠનોએ સરકારની આ પહેલનું સ્વાગત કર્યું છે અને તેને ખેડૂતોના હિતમાં લેવાયેલું પગલું ગણાવ્યું છે.

આ નિર્ણય સાથે ગુજરાત સરકારે ફરી એકવાર ખેડૂતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે, અને આગામી દિવસોમાં બાકી રહેલા ખેડૂતો પાસેથી તુવેર ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

 

(3:08 PM IST)