<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ડીસા અગ્નિકાંડ:શક્તિસિંહ ગોહિલનો આક્રોશ :કુટુંબીજનો આવે એ પહેલા મૃતદેહો મોકલી આપવા એ અમાનવીય છે.

શક્તિસિંહ ગોહિલે સમગ્ર ઘટનાની હાઇકોર્ટના સીટિંગ જજ મારફત તપાસની માંગણી કરી

ડીસા ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 21 લોકોના મોત બાદ મૃતકોના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ડીસા ખાતે અતિશય દુ:ખદ અને દર્દનાક ઘટના બની છે, જેમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે 21 વ્યક્તિઓના મોત થયા છે. શક્તિસિંહ ગોહિલે આરોપ મૂક્યો છે કે, કુટુંબીજનો એકત્રિત થયા એ પહેલા મૃતકોના મૃતદેહને હોસ્પિટલમાંથી રવાના કરી દેવાયા હતા. આ સાથે તેમણે કહ્યું કે, કુટુંબીજનો આવે એ પહેલા મૃતદેહો મોકલી આપવા એ અમાનવીય છે.

બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગ બાદ હવે રાજકીય નેતાઓના નિવેદન પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને આગેવાનો સ્થળ મુલાકાત કરશે, સરકાર અને તંત્ર ગુનેગારોને બચાવવાનું કામ કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, ફેક્ટરી પાસે ફટાકડા મેન્યુફેક્ચરિંગ કરવા માટેની પરવાનગી ન હતી. આ સાથે સ્ટોરેજ માટેનું લાઈસન્સ પણ રીન્યુ થયું ન હતું. અહીં સંપૂર્ણ ગેરકાયદેસર કામ ચાલતું હતુ.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, જીલ્લાના અધિકારી કે જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની તે ઉચ્ચ અધિકારી કહે છે કે, ફેક્ટરીમાં માત્ર ફટાકડાનું સ્ટોરેજ થતું હતું. તો પછી ફેક્ટરીમાં સ્થાનિક કારીગરોને બદલે મધ્યપ્રદેશથી કારીગરો શા માટે લાવવામાં આવ્યા હતા ? આ સાથે ગોહિલે કહ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ મારફત કરવામાં આવે તેવી માંગ કરું છું. આ સાથે સરકાર ઉદાર હાથે મૃતક મજુરોના પરિવારજનોને સહાય પૂરી પાડે તેવી પણ માંગ કરું છું.

 

(2:42 PM IST)