News of Thursday, 3rd April 2025
આણંદમાં મનપાની ટીમ દ્વારા ફાયર NOC વિનાના 3 પાર્ટી પ્લોટ અને 1 ટ્યૂશન ક્લાસીસ સીલ કરાયા
તમામ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ કે જેમની પાસે ફાયર એનઓસી નથી, જે તાત્કાલિક અસરથી ફાયર એનઓસી મેળવી લેવા અનુરોધ

આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સૂચના મુજબ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલ કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ ખાતે ફાયર એનઓસી છે કે કેમ? તેની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી.
આણંદ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વઘાસી રોડ ઉપર આવેલ વિધિ પાર્ટી પ્લોટ, ગણેશ ચોકડી પાસેના પંચવટી પાર્ટી પ્લોટ અને સ્વસ્તિક વાટિકા ખાતે જરૂરી ફાયર એનઓસી ન હોવાને કારણે તાત્કાલિક અસરથી આ ટીમ દ્વારા આ ત્રણેય પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ સ્માર્ટ બજારની બાજુમાં, પેટ્રોલ પંપની સામે, સિદ્ધ ઇન્સ્ટિટયૂટ કે જે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, જેની ચકાસણી કરતા આ ઇન્સ્ટિટયૂટ ખાતે ફાયર એનઓસી મેળવેલ નથી, તેમ જણાવતા આણંદ મહાનગરપાલિકા ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સિદ્ધ ઇન્સ્ટિટ્યૂટને પણ સીલ કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકાના કમિશનરના જણાવ્યા મુજબ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ કે જેમની પાસે ફાયર એનઓસી નથી, જે તાત્કાલિક અસરથી ફાયર એનઓસી મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આણંદ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, તે મુજબ જે કોચિંગ ક્લાસીસ, પાર્ટી પ્લોટ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં ફાયર એનઓસી મેળવેલ નહીં હોય તો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
