News of Friday, 4th April 2025
મંત્રી મંડળ વિસ્તરણની અટકળો તેજઃ અમૂકની બાદબાકી, અમૂકનો ઉમેરો
શંકર ચૌધરી, અર્જુનભાઇ, સી. જે. ચાવડા, કિરીટસિંહ, અમિત ઠાકર, જયેશ રાદડિયા, ઉદય કાનગડ, સંગીતા પાટીલ વગેરેને મંત્રી પદ મળવાની શકયતાઃ ગણપત વસાવા ફરી સ્પીકર બની શકે છેઃ એપ્રિલ અંત સુધીમાં ફેરફાર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૪: પ૧મી ગુજરાત વિધાનસભાને અંદાજે અઢી વર્ષનો સમય પુરો થવા આવી રહ્યો છે. તાજેતરમાં વર્ષ રપ-ર૬ના વર્ષના બજેટ સત્રની સમાપ્તી થઇ છે. માસના અંત સુધીમાં મંત્રીમંડળ વિસ્તરણ કરવાની ચર્ચા રાજયના પાટનગર ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.
આ મંત્રી મંડળ વિસ્તરણ થાય તો આ બે વર્ષ કરતા વધારે સમય દરમ્યાન જે તે મંત્રીઓની કામગીરી નબળી હોય અને કેટલાકના નાના મોટા ભ્રષ્ટાચારની ફરિયાદો હાઇકમાન્ડને ધ્યાને આવી હોય તેવા મંત્રીઓને મંત્રી મંડળમાંથી પડતા મુકવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે. મંત્રી મંડળમાંથી બાદબાકી થવા માટે અન્ય કોઇ કારણ પણ હોય શકે છે.
આ ચર્ચામાં કેબિનેટ કક્ષાના ત્રણથી ચાર મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેમ જાણવા મળે છે. જેમાં રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇ સિવાયના સિનિયર કેબિનેટ મંત્રીઓના નામો ચર્ચાઇ રહ્યા છે.
આ ઉપરાંત રાજયકક્ષાના જે મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવા સભ્યોમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પુરષોત્તમભાઇ સોલંકી, બસુભાઇ ખાબડ, ભીખુસિંહ પરમાર, કુંવરજીભાઇ હળપતિ વગેરે નામોની ચર્ચાએ જોર પકડયું છે. અમૂક વર્તમાન મંત્રીઓને ભાજપ સંગઠનમાં સ્થાન મળી શકે છે.
નવા મંત્રીઓના જે નામો રાજકીય વર્તુળોમાં ચર્ચાયા છે તેમાં શ્રી રમણભાઇ વોરા (ઇડર), અનિરૂધ્ધ દવે (માંડવી-કચ્છ), વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, ડો. સી. જે. ચાવડા (વિજાપુર), અર્જુનભાઇ મોઢવાડીયા (પોરબંદર) રીટાબેન પટેલ (ગાંધીનગર ઉત્તર) અથવા અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણ), અમીત ઠાકર (વેજલપુર) પાયલ કુકરાની (નરોડા), કિરીટસિંહ રાણા (લીંબડી) કાંતિભાઇ અમૃતીયા (મોરબી) ઉદય કાનગડ (રાજકોટ) જયેશ રાદડીયા (જેતપુર) હિરાભાઇ સોલંકી રાજેન્દ્રસિંહ રાઠવા (છોટા ઉદેપુર), બાલકૃષ્ણભાઇ શુકલ (રાવપુરા) ડી. કે. સ્વામી (જંબુસર) સંગીતાબેન પાટીલ, આર. સી. પટેલ (જલાલપોર)નો સમાવેશ થાય છે. ગણપત વસાવાને અધ્યક્ષ બનાવે તેવી શકયતા દેખાઇ રહી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
