<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

વડોદરામાં ત્રણ શખ્સો બેખોફ થઇ જાહેરમાં કારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા દારૂ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો

વડોદરામાં રક્ષિતકાંડ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો પરંતુ નબીરાઓ સુધરવાનું નામ લઈ રહ્યા

વડોદરા તા.૪ ;  નબીરાઓને પોલીસનો ડર રહ્યો નથી. એક તરફ પોલીસ દ્વારા બેફામ બનેલા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યાં જ નબીરાઓ સુધરવાનું નામ લઈ રહ્યા નથી. વડોદરાના અકોટા વિસ્તારમાં એક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવેલી કારને જોતાં પોલીસને શંકા ગઈ હતી. આ કારમાં ત્રણ શખ્સો સવાર હતા. પોલીસે કારને દરવાજો ખોલતા જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

અકોટા પોલીસ મથકની હદમાં ત્રણ નબીરા જાહેરમાં દારૂ પાર્ટી માણી રહ્યા હતા. ત્રણ શખ્સો બેખોફ થઇ જાહેરમાં કારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન જ કારમાં ચાલી રહેલી દારૂ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો.

પોલીસે આણંદ પાર્સિંગની કાર સહિત બિયર અને દારૂની બોટલ જપ્ત કરી છે. પોલીસે કારમાં મહેફિલ માણી રહેલા ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે પ્રોહિબિશન અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં રક્ષિતકાંડ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ નબીરાઓ સુધરવાનું નામ લઈ રહ્યા નથી. મળતી માહિતી અનુસાર, રસ્તા પરથી પસાર થતાં લોકો કારમાં ચાલી રહેલી દારુ પાર્ટી જોઈ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:15 PM IST)