News of Friday, 4th April 2025
ભાડૂઆત ભાડા કરારની શરતોનો ભંગ કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે
ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદ, તા.૪: ગુજરાત હાઈકોર્ટમાં ભાડૂઆત દ્વારા ભાડા કરારમાં થતી શરત ભંગ અંગે યોજાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપતાં કહ્રયું હતું કે, જો ભાડૂઆતે ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોય તો માલિક મિલ્કત ખાલી કરાવી શકે છે. જસ્ટિસ સંજીવ ઠાકરે ચૂકાદામાં ઠરાવ્યું હતું કે, મિલકત માલિકની મંજૂરી કે પરવાનગી વિના ભાડુઆત જે હેતુ માટે મિલકત અપાઇ હતી તે હેતુ કે વેપાર બદલી શકે નહી. આ સંજોગોમાં ભાડા કરારની શરત ભંગ બદલ મિલકત ખાલી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખ્યો હતો.
મિલકત માલિક તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સિવિલ રિવીઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ઠાકરે અરજદાર મકાન માલિકની રિવીઝન અરજી ગ્રાહ્રય રાખી ટ્રાયલ કોર્ટના મિલકત ખાલી કરાવવા અંગેના હુકમને બહાલ રાખ્યો હતો અને એપેલેટ બેંચના હુકમને રદ બાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ભાડા કરારની શરતોમાં સ્પષ્ટ હતું કે, મિલકતનો ઉપયોગ માત્ર ને માત્ર સાયકલ રીપેરીંગ વ્યવસાય માટે થવો જોઇએ અને અન્ય કોઇપણ હેતુ માટે કરી શકશે નહી.
કોર્ટ કમિશનરના રિપોર્ટ મુજબ મિલકતનો ઉપયોગ સીટ કવર, નંબર પ્લેટ, ઓટોમોબાઇલ એસેસરીઝના વ્યવસાય માટે થઇ રહયો હોવાનું સામે આવ્યું હતું. ભાડૂઆત તરફથી બચાવ કરાયો હતો કે, શહેરના વ્યવસાયમાં અને સમાજ તથા વિકાસની સમગ્ર પરિસ્થિતિઓમાં ફેરફારના કારણે તેમના દ્વારા સાયકલ રીપેરીંગનો વ્યવસાય ચાલુ રાખી શકાયો ન હતો. કારણ કે, સાયકલનો ઉપયોગ ઘટતાં તેથી તેઓ બીજો વ્યવસાય કરવા મજબૂર બન્યા હતા.હાઇકોર્ટે આ દલીલોને ફગાવતાં જણાવ્યું હતું કે, ભાડૂઆત દ્વારા તેમની ઉલટ તપાસમાં ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે, મિલકતના વિવાદીત સ્થળે તેઓએ પોતાનો ધંધો બદલવા માટે મિલકત માલિકની કોઇ પરવાનગી કે મંજૂરી લીધી ન હતી. મિલકત માલિકની પરવાનગી કે સંમંતિ વિના ભાડૂઆત તેમને જે હેતુ માટે મિલકત આપવામાં આવી હતી, તે હેતુ સિવાય અન્ય કોઇ કામ માટે મિલકતનો ઉપયોગ કરી શકે નહી.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
