<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

5 એપ્રિલ - રાષ્ટ્રીય દરિયાઈ દિવસ : લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સનું નિર્માણ : નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ વિઝનને સાકાર કરશે

2025ના અંત સુધીમાં 6 મ્યુઝિયમ ગેલેરી કાર્યરત : 4500 કરોડના ખર્ચે તૈયાર થતું સંકુલ : વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ

ગાંધીનગર : ગુજરાતના લોથલમાં નિર્માણ પામી રહેલું ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને ઉજાગર કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને સાકાર કરવા જઈ રહ્યું છે. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી પહેલાં આ પ્રોજેક્ટની પ્રગતિ પર પ્રકાશ પડ્યો છે. આ સંકુલ 4500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે અને 2025ના અંત સુધીમાં તેના ફેઝ 1-A હેઠળ 14માંથી 6 મ્યુઝિયમ ગેલેરીઓ સંપૂર્ણપણે કાર્યરત થશે. લોથલ, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું મુખ્ય વેપાર કેન્દ્ર અને દરિયાઈ શક્તિનું પ્રતીક હતું, તે આધુનિક ટેક્નોલોજી દ્વારા ફરી જીવંત થવા જઈ રહ્યું છે.

લોથલ, જે 5000 વર્ષ પહેલાં ભારતનું મહત્ત્વનું બંદર હતું, ત્યાં દરિયાઈ જહાજોનું નિર્માણ પણ થતું હતું. આ ઐતિહાસિક સ્થળ પર નિર્માણ પામી રહેલું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ ભારતના પ્રાચીન દરિયાઈ ઇતિહાસને આધુનિક રીતે રજૂ કરશે. આ સંકુલમાં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સમન્વય સર્જાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ પ્રણમાંથી એક પ્રાચીન વિરાસતનું સંવર્ધન આ પ્રોજેક્ટ દ્વારા સાકાર થશે, જે ભારતની વૈશ્વિક વેપાર ક્ષમતાને પણ ઉજાગર કરશે.

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સનું નિર્માણ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. 2025ના અંત સુધીમાં ફેઝ 1-A હેઠળ 6 મ્યુઝિયમ ગેલેરીઓ કાર્યરત થશે, જ્યારે ફેઝ 1-B હેઠળ બાકીની 8 ગેલેરીઓ પછીના તબક્કામાં પૂર્ણ થશે. આ સંકુલ 375 એકર જમીન પર રૂ. 4500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે, જે ગુજરાત સરકારે ફાળવી છે. આ પ્રોજેક્ટ ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે અને હજારો લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે.

આ સંકુલમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે, જે 77 મીટર ઊંચું હશે. તેમાં 65 મીટરની ઊંચાઈએ ઓપન ગેલેરી હશે, જે મુલાકાતીઓને સમગ્ર સંકુલનું દૃશ્ય આપશે. રાત્રે લાઇટિંગ શોનું આયોજન પણ થશે. આ ઉપરાંત, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 100 રૂમનું ટેન્ટ સિટી, રિસોર્ટ અને 500 ઇલેક્ટ્રિક કાર માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે. મુલાકાતીઓ માટે ઈ-કારની વ્યવસ્થા અને 66 કે.વી.નું સબસ્ટેશન પણ કાર્યરત થઈ ગયું છે.

આ સંકુલમાં 14 ગેલેરીઓ હશે, જે હડપ્પન સમયથી આજ સુધીના ભારતના સમુદ્રી વારસાને રજૂ કરશે. લોથલનું મિની રિક્રિએશન, ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ અને ‘એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્ક બનશે. આ ઉપરાંત, કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન દ્વારા અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમુદ્રી વારસો પણ દર્શાવાશે.

આ સંકુલમાં મેરિટાઇમ યુનિવર્સિટીની સ્થાપના થશે, જે દરિયાઈ ક્ષેત્રે ડિગ્રી અને સંશોધન માટે કેન્દ્ર બનશે. સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામને પણ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, દુનિયાની સૌથી મોટી અંડરવૉટર થીમવાળી ઓપન ગેલેરી પણ અહીં બનશે, જે મુલાકાતીઓને ભવ્ય દરિયાઈ ઇતિહાસનો અનુભવ કરાવશે.

કેન્દ્રીય પોર્ટ, શિપિંગ એન્ડ વૉટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું, “ભારતનો દરિયાઈ વારસો સ્થિતિસ્થાપકતા, નવીનતા અને વૈશ્વિક જોડાણનું પ્રતીક છે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ આપણા વારસાને સન્માન આપે છે અને ભવિષ્યની પેઢીઓ માટે જ્ઞાનની દીવાદાંડી બનશે.” તેમણે ઉમેર્યું, “આ સંકુલ ભારતને દરિયાઈ પ્રવાસન, સંશોધન અને નીતિગત વિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનાવશે, જે ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરશે.”

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ ભારતનું નવું આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે. આ પ્રોજેક્ટ ભાલ પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપશે અને ગુજરાતની પ્રાચીન ધરોહરને વિશ્વ સમક્ષ રજૂ કરશે. 2025ના રાષ્ટ્રીય દરિયાઈ દિવસ સુધીમાં આ સંકુલનો પ્રથમ તબક્કો લોકો માટે ખુલ્લો મૂકાશે, જે ભારતના દરિયાઈ ભવિષ્યને નવી દિશા આપશે.

 

(4:17 PM IST)