<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ગુજરાત પોલીસનો નવતર પ્રયાસ : ‘GP – DRASTI’ પ્રોજેક્ટ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડી સુરક્ષા મજબૂત કરાશે : અમદાવાદ - સુરતમાં પાયલટ પ્રોજેક્ટ સફળ

કરાઈ ખાતે 6 દિવસીય તાલીમનું આયોજન કરાયું : બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચશે ડ્રોન : રીઅલ-ટાઈમ ફૂટેજથી ત્વરિત કાર્યવાહી : પ્રથમ તબક્કામાં 4 શહેરોમાં 33 પોલીસ સ્ટેશનમાં શરૂઆત

ગાંધીનગર, 4 એપ્રિલ 2025: ગુજરાત પોલીસે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ઘટનાઓ પર ત્વરિત પ્રતિસાદ આપવા એક નવતર પ્રોજેક્ટ “GP – DRASTI” (ગુજરાત પોલીસ - ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટીકલ ઇન્ટરવેન્શન્સ) શરૂ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને પોલીસની કાર્યવાહીને વધુ અસરકારક બનાવવાનો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે આ પ્રોજેક્ટ રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં મહત્ત્વનું પગલું સાબિત થશે.

“GP – DRASTI” પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પીસીઆર વાનની તુલનાએ 50 ટકાથી ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચી શકે છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદમાં 10 દિવસના પ્રયોગમાં જાણવા મળ્યું કે ડ્રોન માત્ર બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે. ઘટનાની જાણ 100 નંબર પર થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને સૂચના આપવામાં આવશે, અને ડ્રોન તાત્કાલિક રવાના થશે.

ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ રીઅલ-ટાઈમમાં ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને દેખાશે. આ ફૂટેજના આધારે ઘટનાની ગંભીરતાનું મૂલ્યાંકન કરીને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક શક્ય બનશે. વિકાસ ભાઈ સહાયે જણાવ્યું, “ઘટના સ્થળે પહોંચવામાં પીસીઆર વાનને સમય લાગે છે, પરંતુ ડ્રોનની મદદથી પરિસ્થિતિનું ત્વરિત વિશ્લેષણ અને અસરકારક કાર્યવાહી શક્ય બનશે. આનાથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થશે.”

પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ ગુજરાત પોલીસે ડ્રોનની ખરીદી શરૂ કરી છે. હાલમાં 8 ડ્રોન પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જ્યારે 18થી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળી જશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશનોમાં આ વ્યવસ્થા ગોઠવાશે, જ્યાં ગુનાખોરીનું પ્રમાણ સામાન્ય કરતાં થોડું વધુ છે. આ શહેરોમાં પ્રયોગ સફળ થતાં આગળના તબક્કામાં અન્ય વિસ્તારોમાં પણ વિસ્તાર કરાશે.

આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે 6 દિવસીય તાલીમનું આયોજન કરાયું છે. આ તાલીમમાં ડ્રોનના સંચાલન, ફૂટેજનું વિશ્લેષણ અને તેના આધારે કાર્યવાહીની યોજના જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કે અમદાવાદના 8 પોલીસ સ્ટેશનમાં આ પ્રોજેક્ટ શરૂ થશે. ત્યારબાદ વધુ ડ્રોન ઉપલબ્ધ થતાં સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આ વ્યવસ્થા કાર્યરત કરાશે.

વિકાસ સહાયે જણાવ્યું, “ગુજરાતમાં કોઈપણ ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અને તેની ગુણવત્તા ખૂબ મહત્ત્વની છે. ડ્રોનની મદદથી અમે રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવી શકીશું.” આ પ્રોજેક્ટ દ્વારા ગુનાખોરીને રોકવા અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ટ્રાફિક અને ભીડને કારણે પીસીઆર વાનને મોડું થતું હોય ત્યાં ડ્રોન મહત્ત્વની ભૂમિકા ભજવશે.

“GP – DRASTI” પ્રોજેક્ટની સફળ શરૂઆત બાદ ગુજરાત પોલીસ તેને રાજ્યના અન્ય જિલ્લાઓમાં વિસ્તારવાની યોજના ધરાવે છે. પ્રથમ તબક્કાની સફળતા પછી ગ્રામીણ વિસ્તારો અને ગુનાખોરીના હોટસ્પોટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે. આ પ્રોજેક્ટ રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં ટેક્નોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ બનશે, જે ગુજરાતને સુરક્ષિત રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે.

 

(4:26 PM IST)