<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

રક્ષિતકાંડમાં મોટો ખુલાસો : અકસ્માત પહેલા રક્ષિત ચોરસિયાએ મિત્રો સાથે ગાંજો પીધો હતો: ત્રણેય સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

પોલીસે પ્રાંશુની અટકાયત કરી ગાંજો ક્યાંથી લાવ્યા અને કોની પાસેથી દિશામાં પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા :સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર રક્ષિતકાંડની ચાલી રહેલી પોલીસ તપાસમાં આજે મોટો ખુલાસો થયો છે. અકસ્માત સર્જનરા રક્ષિતે કયા પ્રકારનો નશો કર્યો હતો. તેની તપાસ અર્થે પોલીસે જરૂરી નમૂના લઇ ફોરેન્સીક તપાસ અર્થ મોકલી આપ્યાં હતા. જેનો રિપોર્ટ પોલીસને મળતા રક્ષિતે અકસ્માત સર્જતા પહેલા મિત્રો સાથે નશો કર્યો હોવાનુ રિપોર્ટમાં ખુલ્યું છે. ત્યારે પોલીસે પ્રાંશુની અટકાયત કરી ગાંજો ક્યાંથી લાવ્યા અને કોની પાસેથી દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત આમ્રપાલી કોમ્પ્લેક્ષ નજીક આવેલી દીપાવલિ સોસા. પાસે ગત તા. 13 માર્ચની રાત્રે રક્ષિત ચોરસિયાએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રક્ષિતે ત્રણ વાહનોને અડફેટે લઇ આંઠ લોકોને ફંગોળ્યા હતા. ગંભીર અકસ્માતમાં એક મહિલાએ ઘટના સ્થળેજ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે, રસ્તા પર લોકોના ટોળે ટોળે એકત્ર થયા હતા. અકસ્માત સર્જી કારમાંથી બહાર નિકળેલા રક્ષિતે અનધર રાઉન્ડ... અનધર રાઉન્ડની બુમો પાડતા લોકોએ તેની પકડી પાડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. રક્ષિત સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સાપરાધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં રક્ષિત ચોરસિયા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લઇ ફોરેન્સીક તપાસ અર્થે મોકલી આપ્યાં હતા.

રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે રક્ષિતને જેલ હવાલે હુકમ કર્યો હતો. જોકે રક્ષિત હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. જ્યારે તાજેતરમાંજ તેના ઝડબાની સર્જરી માટે તેને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સર્જરી થયા બાદ તેને પોલીસ જાપ્તા સાથે પરત સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આ મામલે ડીસીપી પન્ના મોમાયાએ માહિતી આપતા જણાવ્યું કે, રક્ષિત, પ્રાંશુ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેનો રિપોર્ટ આજરોજ આવતા ત્રણેય ગાંજો પીધો હોવાનું ખુલ્યું છે. જેથી આ મામલે ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો નોંઘવામાં આવ્યો છે.

(9:19 PM IST)