<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

દરેક PI માટે રાતના ૧૨ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત

અમદાવાદ કમિશનરનો આદેશઃદરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે ૪થી ૬ દરમિયાન મુલાકાત કરવી પડશે. જો પોલીસ સ્ટેશનમાં ગેરહાજર રહેતા PI સામે કાર્યવાહી થશે

અમદાવાદ,તા.૪

અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ રાત્રે ૧૨ વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે. આ ઉપરાંત દરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે ૪થી ૬ દરમિયાન મુલાકાત કરવી પડશે. જો પોલીસ સ્ટેશનમાં ગેરહાજર રહેતા PI સામે કાર્યવાહી થશે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશનર/સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/મદદનીશ પોલીસ કમિશનરે દરરોજ બપોરે ૧૨થી ૪ વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહીને તેમની રજુઆત સાંભળવાની રહેશે. મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૃરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજુઆત સાંભળવાની રહેશે.

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટરે દરરોજ સાંજે ૪થી ૬ વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહીને મુલાકાત માટે આવતા મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજુઆતો સાંભળવાની રહેશે.

આ ઉપરાંત પોલીસ ઈન્સ્પેક્ટરે દરરોજ સાંજે ૬થી રાત્રે ૯ વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, ગુન્હેગારોનું ચેકીંગ, નાસતા ફરતા આરોપીઓનું ચેકીંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકીંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. આ ઉપરાંત આ બાબતે નાયબ પોલીસ કમિશનરઓએ પોતાના તાબાના થાણા અમલદારની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે.

 

(10:36 PM IST)