તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
ધો-૯ -૧૧ની પરીક્ષામાં ફેરફારથી વાલીઓના પ્રવાસના આયોજન ટલ્લે ચડયાં
૧૨ એપ્રિલની પરીક્ષા ૨૧ એપ્રિલે લઈ જવાતા પ્રવાસ માટે બુક કરાવેલી ટિકિટ-પેકેજ કેન્સલ કરાવવા પડયાં

અમદાવાદ,તા.૫: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના લીધે ફેરફાર કર્યો છે. જેમાં ૧૨ એપ્રિલના રોજ ધોરણ-૯ અને ૧૧ની લેવાનારી પરીક્ષા હવે ૨૧ એપ્રિલના રોજ લેવાનું નક્કી કરાયું છે. બોર્ડના આ નિર્ણય બાદ રાજ્યના હજારો વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘણા વાલીઓએ અગાઉથી જ પ્રવાસના આયોજન કરી લીધા હતા અને ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષા ૧૯ એપ્રિલના રોજ પૂર્ણ થતી હોવાથી ૨૦ એપ્રિલની જ ટિકિટો બુક કરાવી લીધી હતી, પરંતુ હવે તારીખમાં ફેરફાર થતાં વાલીઓની સ્થિતિ કફોડી બની છે અને ટિકિટો તથા અન્ય બુકીંગ કેન્સલ કરાવવાની ફરજ પડી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ સમગ્ર વર્ષ માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. જેમાં વર્ષ દરમિયાન કયારે રજા રહેશે અને કયારે પરીક્ષા લેવામાં આવશે તે સહિતની તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. દરમિયાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટેના એકેડેમિક કેલેન્ડર અનુસાર ધોરણ-૯ અને ૧૧ના વાર્ષિક પરીક્ષા ૭ એપ્રિલથી શરૂ થશે અને ૧૯ એપ્રિલના રોજ પૂર્ણ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આમ, શૈક્ષણિક કેલેન્ડરના આધારે ૧૯ એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થતી હોવાથી વાલીઓએ ૨૦ એ-લિથી જ બહાર ફરવા જવા માટેનું પ્લાનિંગ કરી ટિકિટો તથા પેકેજ બુક કરાવી લીધા હતા. દરમિયાન, રાજ્ય પરીક્ષા બોર્ડે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા ૨૯ માર્ચને બદલે ૧૨ એ-લિના રોજ લેવાની જાહેરાત કરી હતી. આમ, આ સમયગાળા દરમિયાન સ્કૂલોમાં પણ વાર્ષિક પરીક્ષાઓ ચાલુ હોવાથી એક સાથે બે પરીક્ષાને લઈ મુશ્કેલી પડે તેમ હોવાથી શાળાકીય પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફરા કરવા માટે રજૂઆત કરાઈ હતી. જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ૧૧ની ૧૨ એપ્રિલના રોજ લેવાનારી પરીક્ષા ૨૧ એપ્રિલના રોજ લેવાનો નિર્ણય કર્યો હતો. આમ, અગાઉના કાર્યક્રમ અનુસાર જે પરીક્ષા ૧૯ એપ્રિલના રોજ પૂર્ણ થનાર હતી, તે ફેરફારના પગલે હવે ૨૧ એપ્રિલના રોજ પૂર્ણ થશે. આમ, શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરતા અનેક વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.(૪૦.૫)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
