<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

સરકારી જમીન પર બનેલી દરગાહ વકફ પ્રોપર્ટી ન હોઈ શકે: ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ

રાજકોટના આનંદપરા ગામે 100 વર્ષ જૂની દરગાહને વક્ફ મિલકત ગણવાનો ઈન્કાર કરતાં ગુજરાત હાઈકોર્ટે હાઈવેના વિકાસ માટે દરગાહને દૂર કરવાના રાજ્ય સરકારના આદેશને યોગ્ય ઠેરવ્યો

 

અમદાવાદ : રાજકોટના આનંદપરા ગામમાં નેશનલ હાઈવે પર બનેલી લગભગ 100 વર્ષ જૂની દરગાહને વક્ફ મિલકત ગણવાનો ઈન્કાર કરતાં ગુજરાત હાઈકોર્ટે હાઈવેના વિકાસ માટે દરગાહને દૂર કરવાના રાજ્ય સરકારના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, રજિસ્ટર્ડ વક્ફ હોવા છતાં અરજદાર ટ્રસ્ટ સાઇટની કાનૂની માલિકી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.

મહત્ત્વનું છે કે, કોર્ટે કહ્યું કે, સરકારી જમીન પર બનેલી દરગાહ વકફ પ્રોપર્ટી ન હોઈ શકે. રાજકોટના આનંદપરા ગામમાં નેશનલ હાઈવે નંબર 27 પર સૂફી સંત હઝરત જલાલ શાહ પીરની દરગાહ આવેલી છે.

 

દરગાહ તોડી પાડવાના રાજ્ય સરકારના આદેશને પડકારતી કટારિયા ઉસ્મંગાણી હાજીભાઈ ટ્રસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કેસની સુનાવણી કરતા જસ્ટિસ અનિરુધ પી મેયીએ અરજદાર ટ્રસ્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ 1956 હેઠળ કાયદેસર રીતે જમીન સંપાદિત કરી છે.

મહેસૂલી રેકોર્ડમાં સરકારી જમીન તરીકે નોંધાયેલી છે. હાઈવેના વિકાસ માટે સરકારે દરગાહને તોડી પાડવાનો આદેશ આપ્યો છે જે સંપૂર્ણપણે નિયમ મુજબ છે. ટ્રસ્ટે દાવો કર્યો હતો કે, આ દરગાહ લગભગ સો વર્ષ જૂની છે અને તે વક્ફ પ્રોપર્ટી તરીકે નોંધાયેલી છે. ટ્રસ્ટ આ દરગાહ જર્જરિત હોવાને કારણે તેનું પુનઃનિર્માણ કરવા માગતું હતું. જેને કોર્ટે ગેરકાયદેસર ગણાવીને ફગાવી દીધું હતું.

(1:21 PM IST)