<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ખેડૂતોના હીતમાં સરકારી એજન્‍સીઓ દ્વારા MSP પર ખરીદેલ મગફળીનું વેંચાણ મોકુફ રખાવો

ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠને કૃષિમંત્રીને પત્ર લખી કરી માંગણી નીચા ભાવે મગફળી વેંચાવા મૂકવાથી ભાવો નીચા જશે અને ખેડૂતોને નુકસાન જશે

રાજકોટ, તા.૫: ગુજરાત રાજ્‍ય ખાદ્યતેલ અને તેલિબિયા સંધે રાજ્‍યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને એક પત્ર લખી સરકારી એજન્‍સીઓ દ્વારા MSP પર ખરીદેલ મગફળીનું વેંચાણ મોકુફ રખાવા વિનંતી કરી ખેડૂતોના હીતમાં નિર્ણય લેવા અપીલ કરી છે. સંગઠને પત્રમાં કહયું છે કે, રાજ્‍યમાં ગત ખરીફ સિઝનમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્‍પાદન થયું છે અને રાજ્‍યના ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહે તેવા શુભઆશયથી કેન્‍દ્રસરકાર તથા રાજ્‍યસરકાર પ્રેરીતે અનેક એજન્‍સીઓ એ બહુ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદ કરી છે. આ એજન્‍સીઓ દ્વારા ૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી આ ખરીદી કરી હતી અને પ્રતિ કિવન્‍ટલ રૂા.૬૭૮૨ ના ટેકાના ભાવે આ ખરીદી કરી હતી. આ ખરીદી પૂર્ણ થયે માત્ર દોઢ માસના સમય ગાળા બાદ તા.૨૬/૦૩/૨૦૨૫ થી વિવિધ સંસ્‍થાઓ એ આ ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી છે જે ખરેખર આશ્‍ચર્યજનક વાત છે.

આ સંસ્‍થાઓ એ બેશક ઘણી મોટી ખરીદી કરી છે પણ તે ખેડૂતના કુલ ઉત્‍પાદનના ૨૫% (પચીસ ટકા) જેટલી જ ખરીદી કરી છે. જેના કારણે રાજ્‍યના ખેડૂત પાસે હજી ઘણો મોટો જથ્‍થો વેચાણ થયા વગરનો પડ્‍યો છે જે વખતો વખત બજારમાં ઠલવાતો જ રહેશે ને બજારમાં મગફળીની અછત પડે તેવી કોઈ શકયતા નથી.

જયારે માત્ર ખેડૂત ઉત્‍પાદનનો ર૫% જેટલો જ માલ ટેકાના ભાવે ખરીદયો છે અને ખુલ્લી બજાર માં મગફળીના ભાવ MSP કરતા ઘણા નીચા છે ત્‍યારે સરકારી એજન્‍સીઓ પોતાનો માલ બજારમાં વેચવા કાઢે તો મગફળીના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થવાની પૂરી સંભાવના છે.

આ ઉપરાંત એક એજન્‍સી NEML એ તો ઘણાનીચા ભાવે આક્રમકતાથી માલ વેચવાનું શરૂ કર્યું છે તેવી માહિતી છે. તેમણે રૂા.૬૭૮૨ પ્રતિ ક્‍વિન્‍ટલના ભાવે ખરીદ કરેલ મગફળી રૂા.૫૧૦૦ થી રૂા.૫૨૦૦ પ્રતિ ક્‍વિન્‍ટલના ભાવે વેચાણ કર્યું છે. તે સંસ્‍થાની માલનો નીકાલ કરવાની ઉતાવળ ગંભીર પરિણામો લાવી શકે છે.

આ સંસ્‍થાની આવા નીચા ભાવે મગફળી વેચવા મુકવાથી ખુલ્લી બજારમાં મગફળીના ભાવો વધુ નીચા જશે ને રાજ્‍યના ખેડૂતો ને મોટુ નુકસાન ભોગવવાનું આવશે. તેમજ ૭૫% જેટલી પેદાશના ભાવ MSP કરતા ઘણા નીચા મળવાને કારણે આવતી ખરીફ સીઝનમાં મગફળીના વાવેતરમાં વાવેતરમાં ઘરખમ ઘરખમ ઘટાડો થશે. જેને કારણે આયાતી ખાદ્યતેલ પર દેશની નિર્ભરતા વધશે.

વિવિધ એજન્‍સીઓ દ્વારા અત્‍યારથી જ આમ ભાવો કાપીને વેચાણ કરવાનો અભિગમ મગફળીના ભવિષ્‍યને ધૂંધળુ કરી દેશે તે વાત આપની નજર બહાર ન જ હોઈ શકે. તો આપ ત્‍વરિત નિર્ણય લઇ સરકારી એજન્‍સીઓ દ્વારા MSP પર ખરીદેલ મગફળીનું વેચાણ કરવું મોકુફ રખાવો તો રાજ્‍યના ખેડૂતોના હિતમાં ઉઠાવેલ આવશ્‍યક કદમ ગણાશે.

(3:53 PM IST)