<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે તાલીમાર્થી બહેનોનો નો ઇનામ વિતરણ અને વિદાય સમારંભ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભરુચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ અને સંસ્થાના મંત્રી રાજાભાઈ મહિડાની અધ્યક્ષતામાં ઈનામ વિતરણ અને દ્વિતીય વર્ષની તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ યોજાઇ ગયો

   કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ’ ના સમૂહગાનથી થઈ હતી. બાદમાં કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રગટન બાદ સમૂહ પ્રાર્થના કરવામાં આવેલ. આખા વર્ષ દરમિયાન કોલેજ અને પ્રયોગશાળા વિભાગમાં યોજાયેલ વિવિધ સાંસ્ક્રુતિક પ્રવુતિઓમાં વિજેતા થયેલ તાલીમાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ. દ્વિતીય વર્ષની બહેનોએ સંસ્થાને સીલિંગ ફેન ભેટ તરીકે આપેલ. ઈનામ વિતરણ તેમજ કોલેજના અનુભવો વિશેની માહિતી વસાવા પ્રતિક્ષા અને ભરવાડ તેજલે સુંદર રીતે આપેલ. પ્રાસંગિક પ્રવચનમાં કોટવાલ મમીશાએ પોતાના એક વર્ષના કોલેજ અને દ્વિતીય વર્ષની તાલીમાર્થીઓ સાથેના અનુભવો વાગોળતાં બહેનો તરફથી મળેલ સહકાર અને માર્ગદર્શનનો ઉલ્લેખ કરેલ. જ્યારે દ્વિતીય વર્ષની તાલીમાર્થી પટવારી ઈશાએ પોતાના બે વર્ષના કોલેજ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા અને પોતાની કેળવણી અને ઘડતર માટે સંસ્થાનો આભાર માન્યો હતો.
  સંસ્થાના ઇ.આચાર્ય ડો.વિમલ મકવાણા, રિટાયર સ્ટાફમાં ભદ્રાબેન પરીખ, ચંપાબેન વસાવાએ બહેનોને આગામી ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલે વિદાય લઈ રહેલી દ્વિતીય વર્ષની બહેનોને આગામી પરીક્ષાને તૈયારી કરી અટકી ન જવાની અને ક્લાસ 1-2 ની તૈયારી મિશન મોડમાં ચાલુ રાખવાની સલાહ આપી હતી. જ્યારે તરુણાબેન મહિડાએ આગળ અભ્યાસ કરી પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ આપી હતી. અંતે વસાવા વર્ષાએ વિદાય ગીત ગાયું હતું આ કાર્યક્રમમાં અરવિંદભાઇ પટેલ, દેવીલાબેન ઝાલા, સુનિતાબેન શાહ, પ્રયોગશાળાના આચાર્યા ભાનુબેન, સીમાબેન, વિશાલભાઈ લુહાર, ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે આભારવિધિ મનીષાબેન ગૂર્જરે કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ભગતે કરેલ.

(11:12 PM IST)