<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રાજ્યના 9 જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો: IMDનું હીટવેવનું એલર્ટ જાહેર

મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું : ભારે ગરમીનું રેડ એલર્ટ જારી કરાયું

અમદાવાદ :એપ્રિલની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. પરંતુ ત્યારથી રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. આમાંના કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પણ છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં 7 થી 10 એપ્રિલ દરમિયાન તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત વિભાગે રાજ્યના કેટલાક શહેરો માટે ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

   હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. વિભાગે 7 એપ્રિલે હિટવેવના કારણે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તીવ્ર ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે 

  8 અને 9 એપ્રિલે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી પડવાની શક્યતા છે. જેના કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હીટ વેવની સંભાવના છે, તેથી અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે, જેના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભુજમાં 43, નલિયામાં 40, અમરેલીમાં 42, ભાવનગરમાં 39, દ્વારકામાં 31, ઓખામાં 33, પોરબાદ્રામાં 40, રાજકોટમાં 43, વેરાવળમાં 31, સુરેન્દ્રનગરમાં 44, મહુવામાં 39, કેશોદમાં 42, અમદાવાદમાં 42, દે. ગાંધીનગરમાં 42, વલ્લભવિદ્યાનગરમાં 40 ડિગ્રી, બરોડામાં 41, સુરતમાં 39 અને દમણમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

(1:11 PM IST)