<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની વર્ચ્યુઅલ સમીક્ષા : ગાંધીનગરથી અર્બન આરોગ્ય કમિશનરની કડક સૂચનાઓ

21થી 25 એપ્રિલ દરમિયાન ‘ફાયર સેફ્ટી વીક’ની ઉજવણી : હોસ્પિટલોમાં ફાયર ઓડિટ અને મોકડ્રીલનો આદેશ

ગાંધીનગર, 7 એપ્રિલ 2025: અર્બન આરોગ્ય કમિશનર હર્ષદકુમાર પટેલે ગાંધીનગરથી રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સુવિધાઓની વર્ચ્યુઅલ સમીક્ષા હાથ ધરી. વીડિયો કોન્ફરન્સમાં તેમણે વિગતવાર ચર્ચા બાદ આગની ઘટનાઓ સામે અગમચેતી માટે તાત્કાલિક પગલાં લેવા આરોગ્ય અધિકારીઓને કડક સૂચનાઓ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટીને મજબૂત કરવામાં આવી રહી છે.

ફાયર સેફ્ટી ઓડિટ અને તાલીમ પર ભાર:
આરોગ્ય કમિશનર હર્ષદકુમાર પટેલે ફાયર સેફ્ટી કમિટીને નિયમિત ફાયર સેફ્ટી ઓડિટ કરવા જણાવ્યું. તેમણે સૂચન કર્યું કે હોસ્પિટલોમાં ઇલેક્ટ્રિક લોડ અનુરૂપ વાયરિંગની ચકાસણી થાય અને પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટના સહયોગથી ઇલેક્ટ્રિકલ ઓડિટ કરાવવું. ICU અને SNCUમાં વિશેષ વાયરિંગની તપાસ, અશક્ત દર્દીઓને સલામત સ્થળે ખસેડવાનું આયોજન અને ફાયર એક્ઝિટ સંકેતો રાત્રે સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા કરવા પણ તેમણે આદેશ આપ્યો. આ ઉપરાંત, આગની ઘટના સમયે શું કરવું-શું ન કરવું તે દર્શાવતાં પોસ્ટરો લગાવવા માટે પણ સૂચવ્યું.

સાધનોની ચકાસણી અને એન.ઓ.સી. રિન્યૂઅલ:
કમિશનરે આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સાધનોની નિયમિત ચકાસણી અને રિન્યૂઅલની સૂચના આપી. જરૂરી સ્થળોએ ફાયર સેફ્ટી સાધનો ઇન્સ્ટોલ કરવા, ફાયર એન.ઓ.સી.ની સમીક્ષા કરી સમયસર રિન્યૂ કરાવવા અને સમયમર્યાદા પૂરી થયેલી હોય તો તાત્કાલિક રિન્યૂઅલ કરાવવા જણાવ્યું. તેમણે દર મહિનાની 6ઠ્ઠી તારીખે ફાયર મોકડ્રીલ કરવા અને સ્ટાફને ફાયર સેફ્ટી તાલીમ આપવા પણ આદેશ આપ્યો.

‘ફાયર સેફ્ટી વીક’ની ઉજવણી:
રાજ્યના આરોગ્ય વિભાગે 21થી 25 એપ્રિલ, 2025 દરમિયાન ‘ફાયર સેફ્ટી વીક’ ઉજવવાનું આયોજન કર્યું છે. આ દરમિયાન નિર્ધારિત પ્રવૃત્તિઓ, અગ્નિ સલામતી પ્રતિજ્ઞા અને માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવા કમિશનરે જણાવ્યું. તેમણે પાણીની ટાંકીની વ્યવસ્થા, ઇમરજન્સી એક્ઝિટ પ્લાન, ખુલ્લા રસ્તાઓ અને દરવાજા બહારની તરફ ખુલે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સૂચન કર્યું. આગની ઘટનાએ દર્દીઓ અને સગાઓને માહિતગાર કરવાની જવાબદારી પણ નક્કી કરાઈ.

સ્ટાફની જવાબદારી અને રિપોર્ટિંગ:
આગની ઘટના સમયે સ્ટાફને પોતાની કામગીરીની સ્પષ્ટ જાણકારી હોવી જોઈએ અને અધિકારીઓએ આ માટે માર્ગદર્શન આપવું જોઈએ. મોકડ્રીલમાં સ્પ્રિંકલર, ફાયર એલાર્મ, સેન્સર જેવા સાધનોની ચકાસણી માટે ફાયર વિભાગના સહયોગની જરૂર પડશે. કમિશનરે સૂચનાઓનું ચુસ્ત પાલન કરી, કાર્યવાહીનો ‘એક્શન ટેકન રિપોર્ટ’ ગાંધીનગર કચેરીએ સમયમર્યાદામાં મોકલવા જણાવ્યું.

આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મેડિકલ કોલેજો, હોસ્પિટલો, જીએમઇઆરએસ હોસ્પિટલો, જિલ્લા-ઉપજિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ જોડાયા હતા.

 

(5:21 PM IST)