<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

વડોદરામાં વીએમસી ઓન ડ્યૂટી લખેલા ડમ્પરે સ્કૂટરને અડફેટે કેટ આધેડનું ઘટના સ્થળે મોત

પ્રતિબંધિત સમય દરમિયાન પ્રવેશેલા ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી ગયેલા રફીકભાઈ 30 ફૂટ જેટલા ઢસડાઇ ગયા

વડોદરા :શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન પ્રવેશેલા ડમ્પરે એક આધેડને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનામાં સ્થળ પર લોકટોળા એકત્રિત થઇ ગયા હતા. જયારે ડમ્પર પર ઓન ડ્યુટી વી.એમ.સીના બોર્ડ લાગેલા હતા.

હાલ શહેરમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરીમાં અનેક જંગી મશીનરી કામે લાગેલી છે. જેમાં માટી વાહન કરવા માટે શહેરના તમામ વિસ્તારોમાં સેંકડો ડમ્પર પણ કામે લાગ્યા છે. જેને ઓન ડ્યુટી વી.એમ.સીના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જે ડમ્પર પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરમાં અવરજવર કરતા હોય છે. સવારના 9 થી 1 અને સાંજના સમયમાં ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશ કરવા સામે પ્રતિબંધ શહેર પોલીસ કમિશનર દ્વારા ફરમાવવામાં આવ્યો હોવા છતાંય વી.એમ.સીની ડ્યુટીના નામે બેફામ ડમ્પરો રસ્તા પર નીકળી રહ્યા છે.

આજે શહેરના વડસર બ્રીજ પાસે એક માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર ચાલકે તાંદલજા વિસ્તારમાં રહેતા રફીકભાઈ નામના આધેડને અડફેટે લીધા હતા. ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી ગયેલા રફીકભાઈ આશરે 30 ફૂટ જેટલા ઢસડાઇ ગયા હતા. જ્યાં ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. અને મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી આપીને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી.

 

(7:03 PM IST)