<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક પહેલા ઘીબલી સ્ટાઈલમાં કોંગ્રેસ નેતાના પોસ્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યા

અમદાવાદ એરપોર્ટથી ઈવેન્ટ સેન્ટર સુધી રાષ્ટ્રીય અધિવેશનના રૂટમાં લગાવવામાં આવેલાં ઘીબલી સ્ટાઈલના પોસ્ટરે લોકોનું ધ્યાન ખેંચ્યું

અમદાવાદ :આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક યોજાવાની છે. આજથી કોંગ્રેસના નેતાઓ એક પછી એક અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી ઈવેન્ટ સેન્ટર સુધી રાષ્ટ્રીય અધિવેશનના રૂટમાં લગાવવામાં આવેલાં ઘીબલી સ્ટાઈલના પોસ્ટરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલાં જાપાની ઘીબલી સ્ટાઈલ ફોટોનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

અમદાવાદ આવી રહેલા કોંગ્રેસના નેતાઓને આવકારવા માટે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણી પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. આજે 7 એપ્રિલના રોજ અમદાવાદ આવનારા કોંગ્રેસના નેતાઓમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ શશી થરૂર, કે. સી. વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આગામી 8 એપ્રિલની સવારે અમદાવાદ પહોંચશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા આવી રહેલા કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ના સભ્યો અને અન્ય નેતાઓના રોકાણ માટે શહેરની 35 જેટલી હોટલોમાં રૂમ બુક કરવામાં આવ્યા છે. આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલમાં સૌથી વધુ 150 રૂમ બુક કરાયા છે. આ હોટલમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત CWCના મહત્વના સભ્યો રોકાશે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં 75 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સેક્રેટરીઓ અને પ્રભારીઓ રહેશે.

આ ઉપરાંત, ITC નર્મદા હોટલમાં 105 રૂમ બુક કરાયા છે. આ હોટલના 100 રૂમ કોંગ્રેસના સાંસદો માટે ફાળવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 5 રૂમ કદાચ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ફાળવવામાં આવી શકે છે. એસ. જી. હાઈવે પર આવેલી તાજ વિવાંતા હોટલમાં 100 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ હોટલમાં દેશના એવા ચાર રાજ્યોના મંત્રીઓ રોકાશે જ્યાં હાલમાં કોંગ્રેસની સરકાર છે. દરેક હોટલ પર એક ડેસ્ક બનાવવામાં આવશે, જે આગમન અને રોકાણ સંબંધિત માહિતીનું સંચાલન કરશે

(7:28 PM IST)