તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 8th April 2025
નર્મદા ડેમના પાણી કચ્છ સુધી પહોંચ્યા પરંતુ નજીકના ગરુડેશ્વર તાલુકા ચાપટ ગામમાં પાણી માટે વલખા
ગામથી નર્મદા નદી સુધી પાણી ભરવા મહિલાઓને નવ કિલોમીટરની પદયાત્રા કરવી પડે છે : પાણીના કારણે આ ગામમાં કોઈ દીકરી આપતું નથી, કેમ કે 9 કિલોમીટર ચાલી નદીએ પાણી ભરવા જવું પડે છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ચાપટ ગામમાં આઝાદી બાદ પણ હજુ રોજિંદા કામ કાજ માટે ગ્રામજનોને પગપાળા જવાની ફરજ પડે છે. આજ રીતે હાલ ઉનાળાની સિઝનમાં પાણી માટે પણ.મહિલાઓને દૂર સુધી જવું પડે છે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પાણી કચ્છ સુધી પહોંચી ગયાં પરંતુ ડેમની આસપાસ આવેલાં ગામડાઓમાં હજી પણ પાણીની તંગી જોવા મળે છે. ડેમથી 15 કિમી દૂર આવેલાં ચાપટ ગામના પેટા ફળિયાના 250થી વધારે લોકોને પીવાના તથા રોજીંદા વપરાશના પાણી માટે રોજ 9 કિમીની પદયાત્રા કરવી પડે છે. આ ફળિયું વિકાસથી ઘણું દૂર હોવાથી અહીં માળખાકીય સુવિધાઓનો અભાવ છે. ફળિયામાં જવાનો પાકો રસ્તો જ નથી. ત્યાં પાણી માટેની પાઇપલાઇનની કલ્પના કરવી મુશ્કેલ છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પાણીની જરૂરિયાત વધી છે.
આ ગામ ની વ્યથા એવી છે કે કોઈ લગ્ન માટે અહીંયા છોકરી આપતા નથી. આ બાબતે ગામના શકુબેન મહેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું કે અમે ચાપટ ફળિયાના પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો માથે બેડા લઇને ફળિયાથી નર્મદા નદી સુધી જઈએ છે. આ એક ફેરો તેમને 3 કિમી નો પડે છે. દિવસના 3 ફેરા મારવા પડતાં હોવાથી તેમને રોજ 9 કિમીની પદયાત્રા કરવી પડે છે. અમે જો મોડા આવીએ તો ઘરના અમને લડે છે. બાળકોને શાળા જવામાં પણ મોડું થાય છે. વધુમા પાણીના કારણે ગામમાં કોઈ લગ્ન કરી નવી કન્યા આવતી નથી.
આ ફળીયામાં કાચો રસ્તો પણ નથી તેમજ આરોગ્ય માટે પણ કોઈ સ્ટાફ પોહચી શક્તો નથી અને થોડા સમય પહેલા એટલે કે ચાર થી પાંચ મહિના પહેલા આ ફળીયામાં એક ગર્ભવતી મહિલાને અચાનક પીડા થતાં આ ફળીયા તમામ લોકો બધા મળીને પાયલબેન નરેશ ભાઈને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા માટે ઝોળીમા બાંધીને લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામા આ ગર્ભવતી મહિલા એ બાળક ને જન્મ આપેલ હતો.
આ બાબતે વધરાલી ગ્રામપંચાયતના સરપંચ તડવી પંકજભાઈ એ જણાવ્યું કે આ ફળિયુ 1992 મા વિસ્થાપિત થયેલ છે, અહીંયા કોઈ રોડ નથી, અહીંયા બોટ મારફતે અવાય એમ છે. આ ગામમાં હાલ 250 ઘર છે, આ લોકો પાસે કોઈ આકરણી, કે કોઈ બીજા પંચાયતના પુરાવા નથી. મતલબ આઝાદી બાદ પણ આ ગામના લોકો જાણે પાયાની સુવિધાઓ થી તદ્દન વંચિત છે તો શું આ છે વિકાસ..?!!
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
