<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

અમદાવાદમાં વ્યાજખોરીમાં પરિવાર સપડાયો :2 લાખ ચૂકવ્યા છતાં 50 હજારની માંગ : જાનથી મારી નાખવા ધમકી

આરોપીઓ વારંવાર ફોન કરીને વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે અને “હાથપગ તોડી નાખીશું” જેવી જીવલેણ ધમકી આપે છે.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વ્યાજખોરોનો દિન પ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે. દસ ટકાથી પંદર ટકા માસિક વ્યાજના નામે સામાન્ય લોકોને ઝાંસામાં લઈ ત્યારબાદ તેમની ઉપર જાનથી મારી નાખવાની ગેંગો હવે ખુલ્લેઆમ ધમકી આપી રહી છે.

અમદાવાદ શહેરના સુખરામનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ભુરાભાઈ અને રામજીભાઈ નામના શખ્સો સામે ધમકી, શોષણ અને ગેરકાયદેસર ઉઘરાણીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો દાવો છે કે તેણે દસ ટકા વ્યાજે લીધેલા રૂ. 50,000/- સમયસર વ્યાજ સહીત રૂ. 2,00,000/- સુધી ચુકવી દીધા હોવા છતાં આરોપીઓ હજુ વધુ રૂ. 50,000/-ની માંગ કરી રહ્યા છે.

ફરિયાદ મુજબ આરોપીઓ વારંવાર ફોન કરીને વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે અને “હાથપગ તોડી નાખીશું” જેવી જીવલેણ ધમકી આપે છે. ડરથી ફરિયાદીએ પોતાનું સીમકાર્ડ પણ બંધ કરી દીધું હતું. મામલામાં વધુ ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુખરામનગરના મેળા દરમિયાન આરોપી રામજીભાઈ ફરિયાદીની ગેરહાજરીમાં તેની પત્નીને  રૂ. 20,000/-ની માંગણી કરી હતી.

ફરિયાદીએ આખરે સમગ્ર બનાવને લઈને પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ સામે કાયદેસર પગલાંની માંગ કરી છે. હાલ અમરાઈવાડી પોલીસે 2 લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:45 PM IST)