<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

તંદુરસ્‍ત જીવન માટે પોષણનું ખુબ મહત્‍વઃ ભાનુબેન બાબરિયા સુપોષિત ભારત નિર્માણમાં ગુજરાતનું મોટુ યોગદાનઃ રાકેશ શંકર

ગુજરાતમાં પોષણ પખવાડિયાનો પ્રારંભઃ તા.૨૨ સુધી ચાલશે

ગાંધીનગરમાં મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, સચિવશ્રી રાકેશ શંકર, કમિશનરશ્રી રણજિતકુમારસિંહની હાજરીમાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થયેલ તે પ્રસંગની તસ્‍વીર.(૨.૬)

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૯: પોષણ પખવાડિયા ૨૦૨૫નો ગાંધીનગર ખાતેથી રાજ્‍યવ્‍યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારના ઉચ્‍ચ અધિકારીઓથી લઈને આંગણવાડી કાર્યકરો એમ સૌના સહિયારા પ્રયાસ થકી જ પોષણ અભિયાન સફળ બની રહ્યું છે. સ્‍વસ્‍થ જીવનમાટે પોષણ ખૂબ જ મહત્‍વનું પરિબળ છે. સગર્ભા સ્‍ત્રી, માતાઓ અને બાળકોને યોગ્‍ય પોષણયુક્‍ત આહાર મળી રહે તે માટે રાજ્‍ય સરકાર પ્રયત્‍નશીલ છે.

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની અધ્‍યક્ષતામાં ‘પોષણ પખવાડિયા'ની ઉજવણીના કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્‍યવ્‍યાપી શુભારંભ કરવામાં આવ્‍યો હતો. ગુજરાત સહિત દેશભરમાં તા.  ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ‘પોષણ પખવાડીયું ૨૦૨૫' ઉજવવામાં આવશે.

મંત્રી શ્રી બાબરીયાએ આંગણવાડી કાર્યકરોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે, રાજ્‍યના આંગણવાડી કાર્યકરો દ્વારા ખુબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. તેઓ ભૂલકાંઓને જે રીતે પ્રેમથી જમાડે છે, ગમ્‍મત સાથે જ્ઞાન આપે છે તે બિરદાવા લાયક છે.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે પોષણ પખવાડિયા દરમિયાન થનારી વિવિધ કામગીરીની વિગતો આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દેશને વિકસિત રાષ્‍ટ્ર બનાવવામાં ગુજરાતની ભૂમિકા હંમેશા મહત્‍વની રહી છે ત્‍યારે સુપોષિત ભારતના નિર્માણમાં ગુજરાત મહત્‍વનું યોગદાન આપી રહ્યું છે.

આ પ્રસંગે ICDS કમિશનર શ્રી રણજીતકુમાર સિંહે સ્‍વાગત ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્‍તે ભુલકાઓને અન્નપ્રાશન તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર  મીરાબેન પટેલ,  ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્‍પાબેન પટેલ, ધારાસભ્‍ય રીટાબેન પટેલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્‍થિત રહ્યાં હતા.(૨.૬)

(2:28 PM IST)