<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

માંગરોળ ગામના સંત સદાનંદ મહારાજ ચાર દિવસ બાદ બગદાણા આશ્રમમાંથી મળી આવ્યા

સંતો વચ્ચેની તકરારને લઈને માનસિક ત્રાસથી આત્મવિલોપન કરવા જાવ છું એવી ચિઠ્ઠી લખી ગુમ થયેલ સંત હેમખેમ મળ્યા :ગરુડેશ્વર મામલતદારમાં જામીન લઈને સદાનંદ મહારાજને છોડી દેવામાં આવ્યા : મંદિરનો વિવાદ હજુ યથાવત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં રામપુરા માંગરોળ ખાતે ધનેશ્વર મંદિરના વિવાદને લઈને માનસિક ત્રાસથી કંટાળીને નર્મદા કેનાલમાં પડીને આત્મવિલોપન કરવાની ફરજ પડી છે તેવી ચિઠ્ઠી અને વિડીયો વાયરલ કરીને સદાનંદ મહારાજ છેલ્લા ચાર દિવસથી ગુમ થઈ ગયા હતા. ધનેશ્વર મંદિર ખાતે આશ્રમમાં છેલ્લા 25 વર્ષથી રહેતા સદાનંદ મહારાજ સંતોના વિવાદ બાદ કેટલાક દિવસથી આશ્રમ છોડી બોરિયા ગામની પિંટુલાલા વિદ્યામંદિર ખાતે એક રૂમ માં રહેતા હતા. અને અચાનક ચાર દિવસ પહેલા તેમને મનમાં લાગી આવતા સ્કૂલનો રૂમ છોડી એક ચિઠ્ઠી લખીને આત્મવિલોપન કરવા જવાની ફરજ પડી રહી હોવાની વાત લખીને જતા રહેતા સ્કૂલના સંચાલક યશપાલસિંહ ગોહિલે સદાનંદ મહારાજ ગુમ થયાની  જાણવા જોગ ફરિયાદ ગરુડેશ્વર પોલીસ ને આપતા ગરુડેશ્વર પોલીસ. LCB પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા અને ટેક્નિકલ સર્વેલન્સથી સદાનંદ મહારાજ ભાવનગર જિલ્લાના બગદાણા મંદિરે હોવાના સમાચાર મળતા પોલીસે ત્યાં જઈને સાધુને રાજપીપળા લાવી ગરુડેશ્વર પોલીસે તેમની અટક કરી મામલતદાર ગરુડેશ્વર માં જામીન મેળવી તેમને છોડી દેવામાં આવ્યા છે.ચાર દિવસથી ગૂમ સાધુ સદાનંદ મહારાજે સાધુ સંતો અને વિશ્વહિન્દુ પરિસદ અને તેમના શુભેચ્છકોના જીવ અધ્ધર કરી દીધા હતા. જોકે હજુ મંદિરનો વિવાદ તો જૈસેથે જ રહ્યો છે પણ સદાનંદ મહારાજના આત્મવિલોપનના ચેપટરનો આખરે અંત આવ્યો છે.

(10:06 PM IST)