News of Thursday, 10th April 2025
કલેકટર મેહુલ દવે બાંધકામ સાઇટ પર પહોચ્યાઃ શ્રમિકો સાથે સંવાદ

ગાંધીનગર તા.૧૦: અતિશય ગરમી અને લુથી બચવા માટે જિલ્લા કલેક્ટરશ્રી ગાંધીનગર, મેહુલ કે. દવે દ્વારા લોકહિતમાં વારંવાર સૂચન કરવામાં આવી રહ્યા છે કે, કાળઝાળ ગરમીમાં વિવિધ સાઈટ પર કામ કરતા મજૂરોને બપોરના સમયે આરામ આપવામાં આવે, તથા તેમની સલામતી માટે વિવિધ સુરક્ષાત્મક પાસાઓ જેવા કે સાઈટ પર હેલ્મેટનો ઉપયોગ વગેરેની ખાસ તકેદારી રાખવામાં આવે.
મજૂરી કામ કરતા નાગરિકો માટે કરેલ આ સુચનનું પાલન યોગ્ય રીતે થાય તે માટે ગાંધીનગર કલેકટરે દ્વારા ગ્રાઉન્ડ પર ઉતરી ભારે ગરમીમાં મજૂરોની પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લાની વિવિધ સાઈટ્સની રૂબરૂ મુલાકાત કરી હતી. જ્યાં કલેકટરશ્રીએ મજૂરોની સુરક્ષા અને સલામતીના વિવિધ પગલાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે કે નહીં, તેની જાત તપાસણી મજૂરો સાથે રૂબરૂ વાર્તાલાપ દ્વારા કરી હતી. તથા મજૂરો માટેની જરૂરી વ્યવસ્થા તથા સુરક્ષા જોઈ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
કલેકટરશ્રી મેહુલ દવેએ આજે બાંધકામ સાઇટ REVA અને SHIVALIK CURVE ની મુલાકાત લઈ ત્યાં કામ કરતા શ્રમયોગીઓ સાથે વાતચીત કરી બાંધકામ સાઈટ પર બપોરે ૧ થી ૪ ના સમયગાળામાં ખરા તડકામાં કામ ન કરવા, તેમજ બાંધકામ સાઇટ પર શ્રમયોગીઓને ઠંડા પાણી, લીંબુ શરબત, છાશ વગેરેની સુવિધા કરી આપવા સુચન કરતાં, બાંધકામ સાઇટના જવાબદાર વ્યક્તિઓને બપોરે ૧ થી ૪ દરમિયાન કામ બંધ રાખવા બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે.
કલેક્ટર દ્વારા આ મુલાકાત દરમિયાન તેમની સાથે ઉપસ્થિત નાયબ નિયામકશ્રી, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રી જે.બી.બોડાત અને બી.ઓ.સી ઇન્સ્પેક્ટર શ્રી એન.એન.પટેલને માણસા, કલોલ અને દહેગામ વિસ્તારની બાંધકામ સાઇટની મુલાકાત લેવા પણ સૂચન કરતાં શ્રમિકોને ઉકત તમામ સુવિધા પુરી પાડવામાં આવે તે અંગે સુચન કરવામાં આવ્યું હતુ.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
