<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

અમદાવાદના ચાંગોદરમાં 6 વર્ષની બાળકીને બિસ્કીટની લાલચ આપી પીંખી :બુમાબુમ કરી તો ઈટોના ફટકા મારીને હત્યા કરી

બાળકીની માતા અને નાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી દરરોજ બાળકીને ઓરડીમાં જ મુકીને જતા હતા

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં 6 વર્ષની બાળકીને તેનાં માતા પિતા ઓરડીમાં મુકીને રોજગારી માટે જતા હતા, જોકે એક દિવસ હેવાનની દાનત બાળકી પર બગડી અને તેણે માસૂમ બાળકીને પીંખી નાખી, નરાધમે આટલી હેવાનિયાતથી ન અટકી બાળકીની હત્યા કરી નાખી. પોલીસે જ્યારે બાળકીનો મૃતદેહ જોયો તો તેમનાં પણ હોશ ઉડી ગયા.

   હેવાનિયત અને દરીંદગીની હદ વટાવતો એક કિસ્સો અમદાવાદ જિલ્લામાંથી સામે આવ્યો છે, બાવળા સરખેજ હાઈવે પર આવેલા ચાંગોદરમાં પતરાની ઓરડીમાં ગત 7 એપ્રિલે એક 6 વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના પિતા પહેલી એપ્રિલથી મધ્યપ્રદેશ ખાતે વતનમાં ગયા હતા, જેથી બાળકી તેની માતા અને નાની જોડે ઓરડીમાં રહેતી હતી. બાળકીની માતા અને નાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી દરરોજ બાળકીને ઓરડીમાં જ મુકીને જતા હતા, અને બાળકી આખા દિવસ ત્યાં જ રહેતી હતી અને લેબર કોલોનીના અન્ય બાળકો સાથે રમતી હતી. 7 એપ્રિલના રોજ  બાળકીને મુકીને સવારે તેની માતા અને નાની મજૂરી કરવા માટે કંપનીમાં ગયા હતા. સાંજે 6 વાગે જ્યારે તેઓ આવ્યા ત્યારે દિકરી ન મળતા આસપાસમાં શોધખોળ કરતા ઓરડીની સામે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા ચાંગોદર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને જ્યારે બાળકીને જોઈ તો પોલીસના પણ હોંશ ઉડી ગયા હતા, બાળકીને ડાબો કાન કપાઈ ગયેલી હાલતમાં મળ્યો હતો અને શરીરે અનેક ઈજાઓ હતી. જેથી આ મામલે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. બાળકી સાથે કુકર્મ થયું હોવાની પોલીસને પહેલાથી શંકા હતી, જેથી પોલીસે 6 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી, લેબર કોલોની અને આસપાસના 30 થી 40 સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા, લેબર કોલોનીમાં રહેતા અને આસપાસના 100 થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી, જેમાં 3 યુવકો શંકાસ્પદ લાગતા હતા. જે બાદ પોલીસ શ્વાન ઓરિયોની મદદ લેવાઈ હતી. પોલીસ શ્વાન ઓરિયોએ બાળકીને સ્મેલ કરી અને તે સીધો હત્યારા રવિન્દ્રકુમાર મોજીસાવ નામના આરોપી સુધી પહોંચી ગયો હતો.

ચાંગોદર પોલીસે જ્યારે 30 વર્ષીય રવિન્દ્રકુમાર મોજીસાવની કડક ભાષામાં પુછપરછ કરી ત્યારે તે પડી ભાંગ્યો અને તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જે હકિકત જણાવી તે સાંભળી પોલીસનું પણ લોહી ઉકળી ગયુ હતું. 7 તારીખે સવારના સમયે બાળકી ઓરડીની બહાર રમી રહી હતી. ત્યારે આરોપી રવિન્દ્રકુમાર મોજીસાવે તેને બિસ્કીટ આપવાની લાલચ આપી પોતાની રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેનાં કારણે બાળકી બુમાબુમ કરી ત્યાંથી બહાર નીકળી હતી, જે બાદ આરોપીએ બાળકીને પકડી ઓરડીમાં લઈ જઈ તેનાં માથા પર ઈંટથી ફટકો માર્યો હતો, અને બાદમાં તેની લાશને પાસે મુકી દીધી હતી.

આ કેસમાં ઝડપાયેલા આરોપીની વધુ તપાસ કરતા સામે આવ્યું કે મધ્યપ્રદેશનાં ઝાંબુઆમાં તેની પત્ની અને દોઢ વર્ષનો દિકરો રહે છે, તે થોડા મહિના પહેલા જ ચાંગોદરમાં આવ્યો હતો અને મજૂરી કામ કરતો અને બાળકીની હત્યા થઈ તે જ લેબર કોલોનીમાં રહેતો હતો. જોકે તેણે અગાઉ આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યુ છે કે કેમ તે અંગે તપાસ કરવા પોલીસે આરોપીની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(8:44 PM IST)