<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

અમદાવાદમાં પોલીસ બની લોકો પાસેથી ખંડણી ઉઘરાવતી ગેંગનો ઈસનપુર પોલીસે પર્દાફાશ: ત્રણ આરોપીની ધરપકડ

સીસીટીવી અને બાતમીદારોની મદદથી યાસીન ઉર્ફે પપયો, મોહસીન શેખ અને અબરાર પઠાણને ઝડપી લેવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં પોલીસ બની સામાન્ય નાગરિકો પાસેથી ખંડણી ઉઘરાવતી ગેંગનો ઈસનપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી રૂ. 28,100 ઉઘરાવ્યા બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી શરૂ કરી હતી. ઈસનપુર પોલીસે ત્રણ આરોપીઓ(નકલી પોલીસ)ની ધરપકડ કરી છે. CCTV અને હ્યુમન સોર્સના આધારે આ મામલાનો ભાંડો ફોડાયો છે.

ઈસનપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઠગ ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ભોળા નાગરિકોને પોલીસના નામે ડરાવી, પૈસા પડાવતાં હતાં. મુખ્ય સૂત્રધાર યાસીન અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. વધુ ગુનાઓ બહાર આવે તે માટે ઈસનપુર પોલીસ પૂછપરછ કરી રહી છે.

સીસીટીવી અને બાતમીદારોની મદદથી યાસીન ઉર્ફે પપયો, મોહસીન શેખ અને અબરાર પઠાણને ઝડપી લેવામાં આવ્યા છે. યાસીન અગાઉ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 7 ગુનાઓમાં પકડાયો હોવાનો પોકેટકોપ એપ્લિકેશનમાં સાબિત થયો છે. 2021માં પાસા હેઠળ રાજકોટ જેલની પણ મુલાકાત લઈ ચૂક્યો છે.

આરોપીઓ ભોળા નાગરિકોને ટાર્ગેટ કરીને પોતાની જાતને પોલીસ તરીકે ઓળખાવી આવા ગુનાઓ આચરતા હતા. ફરિયાદી પાસેથી રૂપિયા પડાવ્યા બાદ ધમકી આપી કે જો તું ક્યારેક વાત કરેશે તો “ફિટ” કરી દઈશું. પોલીસ તપાસમાં ખુલ્યું કે યાસીન અગાઉ પણ શહેરકોટડા, વેજલપુર અને બાપુનગર સહિતના વિસ્તારોમાં આવા જ ગુનાઓમાં પકડાયો છે. 2021માં તો પાસા હેઠળ જેલ પણ ભોગવી ચુક્યો છે. હાલ ઈસનપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(9:32 PM IST)